Get News Alerts

Never miss breaking news updates.

Indian Air Force Day 2026: ભારતીય વાયુસેનાનો 94મો વાયુસેના દિવસ, હિંડન એરબેઝ પર શૌર્ય અને આધુનિક ક્ષમતાનું ભવ્ય પ્રદર્શન

Indian Air Force Day 2026: ભારતીય વાયુસેનાએ 8 ઓક્ટોબર 2026ના રોજ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે 94મો વાયુસેના દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા, ટેક્નોલોજીકલ પ્રગતિ, વ્યાવસાયિક...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 08:07 PM IST
Indian Air Force Day 2026: ભારતીય વાયુસેનાનો 94મો વાયુસેના દિવસ, હિંડન એરબેઝ પર શૌર્ય અને આધુનિક ક્ષમતાનું ભવ્ય પ્રદર્શનIndian Air Force Day 2026: ભારતીય વાયુસેનાનો 94મો વાયુસેના દિવસ, હિંડન એરબેઝ પર શૌર્ય અને આધુનિક ક્ષમતાનું ભવ્ય પ્રદર્શન

Indian Air Force Day 2026

Indian Air Force Day 2026: ભારતીય વાયુસેનાએ 8 ઓક્ટોબર 2026ના રોજ ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે 94મો વાયુસેના દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા, ટેક્નોલોજીકલ પ્રગતિ, વ્યાવસાયિક કૌશલ્ય અને સમૃદ્ધ સૈન્ય વારસાની ઝલક જોવા મળી હતી. વાયુસેના દિવસની પરેડનું નિરીક્ષણ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે કર્યું હતું. કાર્યક્રમમાં સેના પ્રમુખ, નૌસેના પ્રમુખ, પૂર્વ વાયુસેના પ્રમુખો સહિત અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને નાગરિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

‘અચૂક, અભેદ્ય અને સચોટ’ રહ્યું આ વર્ષની થીમ

આ વર્ષે વાયુસેના દિવસની થીમ ‘ભારતીય વાયુસેના: અચૂક, અભેદ્ય અને સચોટ’ રાખવામાં આવી હતી. આ થીમ રાષ્ટ્રના આકાશની સુરક્ષા માટે વાયુસેનાની સચોટતા, મજબૂતાઈ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપતિ ધ્વજના માર્ચ-ઇન સાથે થઈ હતી. વાયુસેના પ્રમુખના આગમન સમયે ત્રણ Mi-17 1V હેલિકોપ્ટરે રાષ્ટ્રીય ધ્વજ અને ભારતીય વાયુસેનાના ધ્વજ સાથે ફ્લેગ ફોર્મેશનમાં હવાઈ સલામી આપી હતી.

વીરતા અને વિશિષ્ટ સેવા માટે મેડલ

પરેડ બાદ યોજાયેલા અલંકાર સમારોહમાં વીરતા અને વિશિષ્ટ સેવા માટે વાયુ યોદ્ધાઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ વાયુસેના એકમોને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યા હતા. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે વાયુ શક્તિ રાષ્ટ્રીય હિતની રક્ષા માટેનું મુખ્ય સાધન છે. તેમણે વાયુસેનાને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સતર્ક અને તૈયાર ગણાવી હતી.

‘ઓપરેશન સિંદૂર’નો પણ ઉલ્લેખ

એર ચીફ માર્શલ એપી સિંહે પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા ભારતીય વાયુસેનાની ઝડપી ઓપરેશનલ કાર્યવાહી અને અસરકારક હવાઈ સંરક્ષણ ક્ષમતાને રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું કે માત્ર આધુનિક વિમાનો હોવા પૂરતું નથી, પરંતુ જરૂરિયાતના સમયે કેટલી ઝડપથી અને આત્મવિશ્વાસપૂર્વક કાર્યવાહી કરી શકાય છે તે વાયુસેનાની વાસ્તવિક ઓપરેશનલ તાકાત દર્શાવે છે.

AI અને સ્વદેશી ટેક્નોલોજી પર ભાર

વાયુસેના પ્રમુખે આત્મનિર્ભરતાને વાયુસેનાનું માર્ગદર્શક સિદ્ધાંત ગણાવ્યું હતું. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓટોનોમસ સિસ્ટમ્સ જેવી ઉભરતી ટેક્નોલોજીને સૈન્ય ક્ષમતામાં સામેલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત આધુનિક યુદ્ધમાં ત્રણેય સેનાઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત અંગે પણ તેમણે વાત કરી હતી. અંતરિક્ષને હવાઈ ક્ષેત્રના સ્વાભાવિક વિસ્તરણ તરીકે ગણાવીને ઈસરો અને દેશના સ્પેસ ઉદ્યોગ સાથેના વધતા સહયોગની પણ માહિતી આપવામાં આવી હતી. ગગનયાન મિશનમાં ભારતીય વાયુસેનાની ભૂમિકાનો પણ ઉલ્લેખ થયો હતો.

ફાઈટર જેટથી લઈને ડ્રોન સુધીની ક્ષમતાની ઝલક

હિંડન એરબેઝ પર ભારતીય વાયુસેનાના શસ્ત્રો અને સાધનોનું સ્થિર પ્રદર્શન યોજાયું હતું. તેમાં ફાઈટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સરફેસ-ટુ-એર અને સરફેસ-ટુ-સરફેસ ગાઈડેડ વેપન સિસ્ટમ્સ, રડાર તેમજ માનવરહિત હવાઈ પ્રણાલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ‘મેક ઈન ઈન્ડિયા’ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાના વિકાસ પર વાયુસેનાના ભારની પણ ઝલક જોવા મળી હતી.

મહિલા વાયુ યોદ્ધાઓની ટીમ ‘શક્તિ’નું પ્રદર્શન

સમારોહ દરમિયાન ભારતીય વાયુસેનાની મહિલા વાયુ યોદ્ધાઓની ડ્રિલ ટીમ ‘શક્તિ’એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે ચોકસાઈ, ચપળતા અને શિસ્ત સાથે વિવિધ સંકલિત પ્રવૃત્તિઓ અને જટિલ રચનાઓ રજૂ કરી હતી. આ ઉપરાંત 33 યુવા વાયુ યોદ્ધાઓની ડમર ટીમે સ્નેર ડમ, રોટો ડમ, બેસ ડમ અને સિમ્બલ્સ સાથે આકર્ષક પ્રસ્તુતિ આપી હતી.

‘ટાઈગર મોથ’ વિમાને યાદ અપાવ્યો વાયુસેનાનો ગૌરવશાળી વારસો

વાયુસેનાની હેરિટેજ ફ્લાઈટ દ્વારા ખાસ હવાઈ પ્રદર્શન પણ યોજાયું હતું. જૂના ‘ટાઈગર મોથ’ વિમાનના પ્રદર્શને ભારતીય સૈન્ય ઉડ્ડયનના સમૃદ્ધ વારસાની યાદ તાજી કરી હતી અને ઉપસ્થિત દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. હિંડન એરફોર્સ સ્ટેશન ખાતેના મુખ્ય કાર્યક્રમ બાદ વાયુસેના દિવસનું વધુ એક હવાઈ પ્રદર્શન 25 ઓક્ટોબર 2026ના રોજ વારાણસીના નમો ઘાટ ખાતે યોજાવાનું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]