IndiaEU વચ્ચે FTAને લઈને ચર્ચા તેજ: બજાર પહોંચ, વેપાર સરળતા અને સપ્લાય ચેઇન મજબૂત બનાવવા પર ભાર


IndiaEU
IndiaEU વચ્ચે FTAને લઈને ચર્ચા તેજ: બજાર પહોંચ, વેપાર સરળતા અને સપ્લાય ચેઇન મજબૂત બનાવવા પર ભાર


IndiaEU
IndiaEU: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. બંને પક્ષોએ મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ બજાર સુધી પહોંચ સરળ બનાવવા, સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરવા અને વેપાર પ્રક્રિયાઓમાં સરળતા લાવવા અંગે વિચારવિમર્શ કર્યો હતો. સાથે જ ભારત અને EUએ પોતાની વ્યાપક આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનના વિવિધ મહાનિર્દેશાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. આ બેઠકોમાં વેપાર, રોકાણ, વિકાસ સહયોગ, કરવેરા અને કસ્ટમ્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
FTA હેઠળ બજાર પહોંચ અને વેપારની સરળતા પર ચર્ચા
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ડીજી ટ્રેડનાં મહાનિર્દેશક ડિટે જુલ જોર્ગેન્સન સાથેની બેઠકમાં દ્વિપક્ષીય વેપારને વધુ સરળ બનાવવા, બજાર સુધી પહોંચ વધારવા અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બંને પક્ષોએ ન્યાયી, સંતુલિત અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર તરફ આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, કરાર સંબંધિત બાકી રહેલા પ્રક્રિયાગત અને અમલીકરણના મુદ્દાઓ પર નજીકથી સંવાદ ચાલુ રાખવા પણ સહમતી દર્શાવવામાં આવી હતી.
સ્વચ્છ ઊર્જા અને વિકાસ સહયોગને પ્રોત્સાહન
ડીજી ઇન્ટરનેશનલ પાર્ટનરશિપના મહાનિર્દેશક કોએન ડોએન્સ સાથેની બેઠકમાં ભારત-EU વિકાસ સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાના ઉપાયો પર ચર્ચા થઈ હતી.
આ ચર્ચામાં ટકાઉ વિકાસ, સ્વચ્છ ઊર્જા, ગ્રીન ટેક્નોલોજી અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સંભાવનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બંને પક્ષો વચ્ચેના સહયોગને આર્થિક ભાગીદારીની સાથે પર્યાવરણ અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પણ વિસ્તૃત કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.
કસ્ટમ્સ પ્રક્રિયાને ડિજિટલ અને સરળ બનાવવાનો પ્રયાસ
ડીજી ટેક્સેશન એન્ડ કસ્ટમ્સ યુનિયનના મહાનિર્દેશક ગેરાસિમોસ થોમસ સાથેની બેઠકમાં કસ્ટમ્સ સહયોગ, વેપાર સુગમતા અને ભારત-EU FTAના અમલીકરણની તૈયારીઓ મુખ્ય મુદ્દા રહ્યા હતા.
બંને પક્ષોએ માન્યું હતું કે પારદર્શક, કાર્યક્ષમ અને ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ કસ્ટમ્સ પ્રક્રિયાઓ વેપાર ખર્ચ ઘટાડવા માટે જરૂરી છે. આવી વ્યવસ્થાથી ઉદ્યોગો માટે વેપાર સરળ બનશે અને કાયદેસર માલસામાનની અવરજવર વધુ સુગમ બની શકશે.
એન્ટવર્પના હીરા ઉદ્યોગ સાથે પણ બેઠક
બ્રસેલ્સ પ્રવાસ દરમિયાન વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે એન્ટવર્પના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ અને અન્ય ઉદ્યોગ ક્ષેત્રના હિતધારકો સાથે પણ મુલાકાત કરી હતી.
આ બેઠકમાં વૈશ્વિક ડાયમંડ વેલ્યૂ ચેઇન, પ્રમાણન અને ટ્રેસેબિલિટી ધોરણો, જવાબદાર સોર્સિંગ તેમજ ભારતના વધતા હીરા બજાર અને ઉત્પાદન ક્ષમતાથી ઊભી થતી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારત અને બેલ્જિયમે રત્ન અને આભૂષણ ક્ષેત્રને દ્વિપક્ષીય સહયોગના મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઓળખ્યું છે. એન્ટવર્પ, મુંબઈ અને સુરત વૈશ્વિક હીરા વેપાર અને પ્રોસેસિંગનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો ગણાય છે.
યુરોપિયન કંપનીઓને ભારતમાં રોકાણનું આમંત્રણ
વાણિજ્ય સચિવે બિઝનેસયુરોપ દ્વારા આયોજિત રાઉન્ડટેબલ બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં યુરોપના ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રાજેશ અગ્રવાલે ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, સુધારાની ગતિ અને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોકાણની તકો વિશે માહિતી આપી હતી. સાથે જ યુરોપિયન કંપનીઓને ભારતની વિસ્તરતી વેલ્યૂ ચેઇન અને ઉત્પાદન ક્ષેત્રના માળખામાં વધુ સક્રિય ભાગીદારી માટે આમંત્રણ આપ્યું હતું.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની આ ચર્ચાઓ વેપાર અને રોકાણ સંબંધોને વધુ વિસ્તૃત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. FTA હેઠળ બજાર પહોંચ, કસ્ટમ્સ પ્રક્રિયા અને સપ્લાય ચેઇન સંબંધિત મુદ્દાઓ પર સહમતી બંને પક્ષો વચ્ચેના આર્થિક સહયોગને નવી દિશા આપી શકે છે.






