Roof top Solarમાં ગુજરાતની મોટી સિદ્ધિ: 9.08 લાખ ઘરોમાં સોલર સિસ્ટમ, 3,408 મેગાવોટ ક્ષમતા નોંધાઈ

Roof top Solar: દેશમાં સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને વેગ આપવા ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય આપ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Nov 2026 01:29 PM IST
Roof top Solarમાં ગુજરાતની મોટી સિદ્ધિ: 9.08 લાખ ઘરોમાં સોલર સિસ્ટમ, 3,408 મેગાવોટ ક્ષમતા નોંધાઈRoof top Solarમાં ગુજરાતની મોટી સિદ્ધિ: 9.08 લાખ ઘરોમાં સોલર સિસ્ટમ, 3,408 મેગાવોટ ક્ષમતા નોંધાઈ

Roof top Solar

Roof top Solar: દેશમાં સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને વેગ આપવા ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય આપ્યું છે. સાથે જ વર્ષ 2030 સુધીમાં દેશની વીજળીની 50 ટકા જરૂરિયાત પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોમાંથી પૂરી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલર અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશનાં અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. દેશમાં સ્થાપિત કુલ રૂફટોપ સોલર સિસ્ટમમાં ગુજરાતનો હિસ્સો 18.21 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.08 લાખ રહેણાંક રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે, જેની કુલ ક્ષમતા 3,408 મેગાવોટ નોંધાઈ છે.

આ સાથે ગુજરાતે માર્ચ 2027 સુધીમાં 10 લાખ રહેણાંક રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવાના લક્ષ્યાંક સામે આશરે 90 ટકા સિદ્ધિ મેળવી લીધી છે. આ આંકડા રાજ્યમાં ઘરેલુ સ્તરે સૌર ઊર્જા અપનાવવાની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે.

રૂફટોપ સોલર માટે રાજ્ય સરકારની આર્થિક સહાય

રૂફટોપ સોલર સિસ્ટમનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ આર્થિક અને નિયમનકારી પ્રોત્સાહનો આપવામાં આવે છે. રહેણાંક મકાનોમાં 6 કિલોવોટ સુધીની રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરાવવા માટે નિયમનકારી ચાર્જ પેટે ₹2,950ની સહાય આપવામાં આવે છે.

આ ઉપરાંત, નેટવર્ક મજબૂતીકરણ ચાર્જમાંથી મુક્તિ અને નેટ મીટરિંગ કરારની આવશ્યકતામાંથી પણ છૂટ આપવામાં આવી છે. આ પગલાંનો હેતુ સામાન્ય વીજગ્રાહકો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે.

SC-ST અને અન્ય ગ્રાહકોને વધારાની સહાય

કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત ગુજરાત સરકારે નાના રહેણાંક વીજગ્રાહકો માટે વધારાની આર્થિક સહાયની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ગ્રાહકો 2.18 કિલોવોટ પીક (kWp) સુધીની ક્ષમતા ધરાવતી નવી રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરાવે તો તેમણે નિર્ધારિત ખર્ચના માત્ર 5 ટકા જ ચૂકવવાના રહે છે.

જ્યારે અન્ય ગ્રાહકો માટે નિર્ધારિત ખર્ચના 10 ટકા રકમ ચૂકવવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારની નાણાકીય સહાય (CFA) અને ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતી રકમ બાદ કર્યા પછી નિર્ધારિત બેન્ચમાર્ક ખર્ચની બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ રીતે રાજ્ય સરકારનો પ્રયાસ વધુને વધુ પરિવારો સુધી સૌર ઊર્જાની સુવિધા પહોંચાડવાનો છે.

નેટ મીટરિંગથી વધારાની વીજળીનો પણ ઉપયોગ

ગુજરાતમાં રૂફટોપ સોલરના વધતા વ્યાપ પાછળ રાજ્યની સોલર નીતિ અને નેટ મીટરિંગ જેવી સુવિધાઓ પણ મહત્ત્વપૂર્ણ છે. નેટ મીટરિંગ વ્યવસ્થામાં મીટર ઘરમાં વપરાતી વીજળી અને સોલર સિસ્ટમ દ્વારા ગ્રીડમાં પાછી મોકલવામાં આવતી વીજળી બંનેનો હિસાબ રાખે છે.

રાજ્યની નીતિ હેઠળ ઘરેલુ સોલર સિસ્ટમ માટે કનેક્ટેડ લોડ પર મર્યાદા નથી. ઘરમાં જરૂરિયાત કરતાં વધુ વીજળી ઉત્પન્ન થાય તો તેને ગ્રીડમાં મોકલી શકાય છે. આ ઉપરાંત, ઘરેલુ વપરાશકર્તાઓ પાસેથી બેંકિંગ ચાર્જ પણ લેવામાં આવતો નથી.

આવી સુવિધાઓને કારણે લોકો માટે પોતાની છત પર સોલર સિસ્ટમ સ્થાપિત કરવી વધુ સરળ બની છે. પરિણામે ઘરેલુ વીજળીની જરૂરિયાતનો એક હિસ્સો સૌર ઊર્જા દ્વારા પૂરો કરવાની દિશામાં રાજ્ય આગળ વધી રહ્યું છે.

પુનઃપ્રાપ્ય ઊર્જામાં ગુજરાતનો 18.55 ટકા હિસ્સો

30 સપ્ટેમ્બર, 2026ની સ્થિતિએ ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 55,511.46 મેગાવોટ નોંધાઈ છે. આ દેશની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાના 18.55 ટકા જેટલી છે.

તેમાં સૌર ઊર્જાની ક્ષમતા 36,234.55 મેગાવોટ છે, જે દેશની કુલ સૌર ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું 21.2 ટકા યોગદાન દર્શાવે છે. જ્યારે રાજ્યની પવન ઊર્જા ક્ષમતા 17,043.76 મેગાવોટ છે, જે દેશની કુલ પવન ઊર્જા ક્ષમતાના 28.8 ટકા જેટલી છે.

આ આંકડા દર્શાવે છે કે સૌર ઊર્જાની સાથે પવન ઊર્જાના ક્ષેત્રમાં પણ ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. વધતી વીજળીની માંગને પહોંચી વળવા અને પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાજ્યની આ કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહી છે.

આ પણ વાંચો : Emergency Preparedness: યુદ્ધનો ખતરો કે મહાઆફતની તૈયારી? અમેરિકા-બ્રિટનની 72 કલાકની સલાહે વધારી ચર્ચા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.