Adani Portsનું કોલંબો ટર્મિનલ વિસ્તરણ, ક્ષમતા બમણી થઈ 3.2 મિલિયન TEUs; કુલ રોકાણ USD 750 મિલિયન



Adani Ports
Adani Portsનું કોલંબો ટર્મિનલ વિસ્તરણ, ક્ષમતા બમણી થઈ 3.2 મિલિયન TEUs; કુલ રોકાણ USD 750 મિલિયન



Adani Ports
Adani Ports: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ની ક્ષમતા હવે બમણી થઈને 3.2 મિલિયન TEUs થઈ ગઈ છે. શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાએ 1 ઓક્ટોબર 2026ના રોજ ટર્મિનલના બીજા તબક્કાના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિસ્તરણ સાથે APSEZનું કોલંબો ટર્મિનલમાં કુલ રોકાણ USD 750 મિલિયન થયું છે.
1.6થી વધીને 3.2 મિલિયન TEUs ક્ષમતા
CWITની ક્ષમતા અગાઉ 1.6 મિલિયન TEUs હતી, જે બીજા તબક્કાના વિસ્તરણ બાદ વધીને 3.2 મિલિયન TEUs થઈ છે. આ વિસ્તરણનો હેતુ કોલંબો બંદરને પૂર્વ-પશ્ચિમ વૈશ્વિક વેપાર માર્ગ પર વધુ મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે મજબૂત કરવાનો છે. શ્રીલંકાએ 2028 સુધીમાં કોલંબો બંદર મારફતે 13 મિલિયન TEUs કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ CWITનું વિસ્તરણ આ લક્ષ્યમાં આશરે 25% હિસ્સો મેળવવાની ક્ષમતા ઊભી કરશે.
18 મહિનામાં 2 મિલિયન TEUsનો આંકડો
CWITએ 2024માં કામગીરીના પ્રથમ જ વર્ષમાં 1 મિલિયન TEUs કાર્ગો હેન્ડલ કરીને ઝડપી કામગીરીનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે કામગીરી શરૂ થયાના આશરે દોઢ વર્ષમાં ટર્મિનલે 2 મિલિયન TEUs કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કર્યો છે.
એકસાથે ત્રણ મોટા જહાજોને સેવા
વિસ્તરણ બાદ ટર્મિનલ એકસાથે ત્રણ મોટા કન્ટેનર જહાજોને લાંગરવાની ક્ષમતા ધરાવશે. APSEZના CEO અશ્વિની ગુપ્તાના જણાવ્યા મુજબ, વધેલી ક્ષમતા કોલંબોની ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકેની ભૂમિકાને વધુ મજબૂત કરશે.
3,000થી વધુ રોજગારીનું સર્જન
APSEZ, જ્હોન કિલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી દ્વારા 35 વર્ષના BOT કન્સેશન હેઠળ વિકસાવવામાં આવેલા CWITએ 3,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે.
CWIT શ્રીલંકાનું પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ડીપ-વોટર કન્ટેનર ટર્મિનલ છે. તે સંપૂર્ણપણે વીજળીથી સંચાલિત છે અને શૂન્ય ટેલપાઇપ ઉત્સર્જન સાથે મોટા કન્ટેનર જહાજોને સેવા આપવા માટે વિકસાવવામાં આવ્યું છે.





