Kedarnath Temple: કેદારનાથ ધામના કપાટ બંધ, હવે ઉખીમઠમાં થશે બાબા કેદારના દર્શન


Kedarnath Temple: કેદારનાથ ધામના કપાટ બંધ
Kedarnath Temple: કેદારનાથ ધામના કપાટ બંધ, હવે ઉખીમઠમાં થશે બાબા કેદારના દર્શન


Kedarnath Temple: કેદારનાથ ધામના કપાટ બંધ
Kedarnath Temple: ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ ભાઈબીજના પવિત્ર અવસરે બુધવારે સવારે 8:30 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન કેદારનાથના કપાટ બંધ કરવામાં આવ્યા હતા.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. હવે આગામી 6 મહિના સુધી ભક્તો ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારનાં દર્શન કરી શકશે.
વહેલી સવારે મહાભિષેક બાદ કપાટ બંધ કરાયા
કેદારનાથ ધામના મુખ્ય પૂજારી ગંગાધર લિંગ મહારાજના જણાવ્યા મુજબ કપાટ બંધ કરવાની પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન શિવનો ભવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશેષ પૂજા-અર્ચના અને ભોગ અર્પણ કરવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ભગવાન શિવને સમાધિ સ્વરૂપ આપ્યા બાદ સવારે બરાબર 8:30 વાગ્યે મંદિરના મુખ્ય કપાટ આગામી છ મહિના માટે બંધ કરવામાં આવ્યા હતા.
બાબા કેદારની ઉત્સવ ડોલી ઉખીમઠ જવા રવાના
કપાટ બંધ થયા બાદ ભારતીય સેનાના બેન્ડની મધુર ધૂન અને 'જય બાબા કેદાર'ના જયઘોષ વચ્ચે બાબા કેદારની ચલ વિગ્રહ ઉત્સવ ડોલી ઉખીમઠ માટે રવાના થઈ હતી. વિવિધ પડાવ પરથી પસાર થઈને આ ડોલી પોતાના શિયાળુ નિવાસસ્થાન ઓમકારેશ્વર મંદિર પહોંચશે. અહીં શિયાળાની સમગ્ર ઋતુ દરમિયાન બાબાની નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવશે.
કેદારનાથ ધામમાં ITBP અને પોલીસનો બંદોબસ્ત
કપાટ બંધ થવાની પ્રક્રિયા અને ડોલી યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રુદ્રપ્રયાગનાં પોલીસ અધિક્ષક નિહારિકા તોમરના જણાવ્યા મુજબ ડોલી સાથે ગાર્ડ ઓફ ઓનર અને મોબાઈલ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. શિયાળા દરમિયાન કેદારનાથ ધામની સુરક્ષા માટે ઉત્તરાખંડ પોલીસની સાથે ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ની એક પ્લાટૂન પણ તૈનાત રહેશે.
ઉખીમઠમાં શિયાળુ યાત્રા દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓ હવે ઓમકારેશ્વર મંદિરમાં બાબાનાં દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે કેદારનાથ ધામના કપાટ હવે વર્ષ 2027માં અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે ફરી ખોલવામાં આવશે.
આ પણ વાંચો: Shani Margi 2026: વર્ષ પૂરું થતાં પહેલાં ચમકી શકે છે આ રાશિઓનું ભાગ્ય, શનિની સીધી ચાલથી થશે મોટો લાભ!




