Noida AC Sleeper Bus Fire Incident : ગ્રેટર નોઈડામાં ભીષણ બસ અગ્નિકાંડ, 9 મુસાફરના મોત



Noida AC Sleeper Bus Fire Incident
Noida AC Sleeper Bus Fire Incident : ગ્રેટર નોઈડામાં ભીષણ બસ અગ્નિકાંડ, 9 મુસાફરના મોત



Noida AC Sleeper Bus Fire Incident
Noida AC Sleeper Bus Fire Incident : નોઈડાથી મહોબા તરફ જઈ રહેલી એક ખાનગી ડબલ ડેકર AC સ્લીપર બસમાં અચાનક આગ લાગી હતી, બસમાં આશરે 35 મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ-વે પર ગ્રેટર નોઈડાથી આગ્રા તરફ જતા માર્ગે દયાનતપુર ગામ નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ દયાનતપુર ગામ પાસે પહોંચી ત્યારે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ દેખાઈ હતી. આગની જાણ થતાં ડ્રાઇવરે બસને એક્સપ્રેસ-વેની સાઇડમાં ઉભી કરી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
જોતજોતામાં આગે સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. બસમાં ધુમાડો ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. અનેક મુસાફરોએ બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, બસના કેટલાક ભાગમાં ફસાયેલા મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા. બચી ગયેલા એક મહિલા મુસાફરે ઘટનાની ભયાનકતા વર્ણવી હતી. તેમના જણાવ્યા મુજબ, તેઓ બસમાં સૂતા હતા ત્યારે દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો હતો.
આંખ ખોલતાં ચારે તરફ ધુમાડો જોવા મળ્યો હતો. તેમણે સામાન કે જૂતાં લેવાની પણ પરવા કર્યા વગર માત્ર મોબાઇલ લઈને બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ યમુના એક્સપ્રેસ-વેના ખાનગી સુરક્ષા કર્મચારીઓ, ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન ઈજાગ્રસ્ત અને દાઝેલા મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓને રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.
મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને યોગ્ય અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય પહોંચાડવા અધિકારીઓને સૂચના આપી છે. હાલ યમુના એક્સપ્રેસ-વે બસ અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણો તથા અન્ય વિગતો તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





