દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં 16 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ



Delhi Sleeper Bus Gang Rape
દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં 16 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ



Delhi Sleeper Bus Gang Rape
Delhi Sleeper Bus Gang Rape: દિલ્હીમાં ચાલતી સ્લીપર બસમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનાને લઈને દિલ્હી પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી છે. પોલીસે બસને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.
https://twitter.com/contentkikamii/status/2094305813338919252
સગાને મળવા નોઈડા જઈ રહી હતી સગીરા
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે. પરિવાર સાથે અણબનાવ થયા બાદ તે પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી હતી અને પોતાના કઝિનને મળવા નોઈડા જઈ રહી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે તે પરી ચોક ખાતે ભૂલથી બસમાંથી ઉતરી ગઈ હતી. આ દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાં પહોંચી હતી. ડ્રાઈવર અને કંડક્ટરે સગીરાને તેઓ નોઈડા સેક્ટર-63 તરફ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
બસમાં બંને આરોપીઓએ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ
પોલીસ ફરિયાદ અને પીડિતાના નિવેદન મુજબ, બસમાં સવાર થયા બાદ કંડક્ટરે સગીરા સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું હતું. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. પીડિતાના જણાવ્યા મુજબ, વિરોધ કરવા પર તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપવામાં આવી હતી.
કાશ્મીરી ગેટ નજીક સગીરાને ઉતારી આરોપીઓ ફરાર
આરોપીઓએ સગીરાને મોડી રાત્રે કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ નજીક રિંગ રોડ પર ઉતારી દીધી હતી. ત્યારબાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ગભરાયેલી સગીરા કાશ્મીરી ગેટ પોલીસ પાસે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
તિમારપુરમાંથી ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ
તપાસ દરમિયાન પોલીસે તિમારપુર વિસ્તારમાં આવેલા બસ પાર્કિંગ સ્થળેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપ તરીકે થઈ છે. પોલીસે જે બસમાં ઘટના બની હોવાનું જણાવાયું છે તેને પણ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.
સમારકામ બાદ ખાલી બસ લઈ જઈ રહ્યા હતા
પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ, આ બસ અગાઉ ખરાબ થઈ હતી અને તેને સમારકામ માટે સૂરજપુરની એક વર્કશોપમાં લઈ જવામાં આવી હતી. સમારકામ પૂર્ણ થયા બાદ ડ્રાઈવર અને કંડક્ટર બસને ખાલી તિમારપુર તરફ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પરી ચોક ખાતે તેમની સગીરા સાથે મુલાકાત થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી બસે આશરે 47 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
સ્લીપર બસમાં પડદા હોવાથી બહારથી ઘટનાની જાણ ન થઈ
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સ્લીપર બસમાં બર્થની આસપાસ પડદા લગાવવામાં આવ્યા હતા. જેના કારણે બસની અંદર શું થઈ રહ્યું હતું તે બહારથી સરળતાથી દેખાઈ શકતું ન હતું. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પીડિતા સગીર હોવાથી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



