ચક્રવાત ‘અર્નબ’નો ઓડિશામાં કહેર, મલકાનગિરીમાં અનેક પુલો પર પાણી; NH-326 બંધ



Cyclone Arnab Odisha
ચક્રવાત ‘અર્નબ’નો ઓડિશામાં કહેર, મલકાનગિરીમાં અનેક પુલો પર પાણી; NH-326 બંધ



Cyclone Arnab Odisha
Cyclone Arnab Odisha: ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં ચક્રવાત ‘અર્નબ’ની અસરથી ભારે વરસાદ અને તેજ પવનને કારણે સ્થિતિ ગંભીર બની છે. સતત વરસાદના કારણે નદી-નાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલાક પુલોને પણ નુકસાન પહોંચ્યું છે. મલકાનગિરી જિલ્લામાં કાંકુરુકોંડા, કન્યાશ્રમ, એમવી-90 અને એમવી-96 પુલો પરથી ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. જેના કારણે મલકાનગિરીને કાલીમેલા, મોટુ અને પોડિયા સાથે જોડતા માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક વિસ્તારોનો પરસ્પર સંપર્ક તૂટ્યો છે.
NH-326 પર પાણી ભરાતા હાઈવે બંધ
જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-326 પર પણ પાણી ભરાઈ ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સુરક્ષાના હેતુથી હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે બંધ કર્યો છે. હાઈવે બંધ થતાં અનેક સ્થળોએ સેંકડો વાહનો ફસાઈ ગયા છે. બીજી તરફ ભારે વરસાદ અને પવનના કારણે વિવિધ સ્થળોએ વૃક્ષો રસ્તા પર પડતાં માર્ગો પણ અવરોધિત થયા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત પુલો નજીક પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
બે દિવસનું રેડ એલર્ટ, પ્રશાસન એલર્ટ મોડમાં
ચક્રવાત ‘અર્નબ’ની અસરને પગલે હવામાન વિભાગે મલકાનગિરી માટે બે દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મલકાનગિરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બેદાબર પ્રધાને જણાવ્યું હતું કે આગામી કેટલાક કલાકો વધુ મુશ્કેલ બની શકે છે અને તેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ચેન્નઈ તરફથી આવતા અનેક વાહનો પણ જિલ્લામાં ફસાયા છે. અસરગ્રસ્ત લોકો સુધી જિલ્લા પ્રશાસન અને પંચાયતો દ્વારા ખાદ્યસામગ્રી તથા અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
સાત જિલ્લાઓ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ
ઓડિશા સરકારના મંત્રી ગોકુલાનંદ મલ્લિકે જણાવ્યું હતું કે ચક્રવાત અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાત જિલ્લાઓ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દ્વારા તમામ સંબંધિત જિલ્લાઓ માટે જરૂરી સૂચનાઓ અને આદેશો આપવામાં આવ્યા છે.
બાલાસોરમાં પણ વરસાદ અને પવનથી નુકસાન
ચક્રવાતની અસર ઓડિશાના બાલાસોર જિલ્લામાં પણ જોવા મળી છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ફાયર સર્વિસની ટીમો દ્વારા રસ્તા પર પડેલા વૃક્ષો અને અન્ય કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેમુણામાં બુધવારે એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયું હતું. ફાયર ઓફિસર અજયના જણાવ્યા અનુસાર, બાંકેેશ્વરમાં ત્રણ સ્થળોએ વૃક્ષો પડ્યા હતા, જેમાંથી બે વૃક્ષો મકાન પર પડ્યાં હતાં. ફાયર સર્વિસની ટીમે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રાજાબગીચા જંક્શન ખાતે ફ્લડલાઇટની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાલાસોરના તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં 12 ફાયર સ્ટેશનો પર એક-એક બોટ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જ્યારે ચાર વધારાની બોટ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





