Delhi Drug Bust: દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રૂપિયા 1.5 કરોડનું ડ્રગ્સ જપ્ત


Delhi Drug Bust
Delhi Drug Bust: દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રૂપિયા 1.5 કરોડનું ડ્રગ્સ જપ્ત


Delhi Drug Bust
Delhi Drug Bust: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-NCRમાં કથિત રીતે સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ નાઈજીરિયન નાગરિકો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી MDMA અને કોકેઈન સહિત અંદાજે રૂપિયા 1.5 કરોડની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે દિલ્હીના નિલોઠી-ચંદર વિહાર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આરોપીઓ પાસેથી 417 ગ્રામ MDMA અને 105 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ER-I ટીમે કરેલી તપાસમાં કથિત રીતે સામે આવ્યું છે કે આરોપીઓ પોતાના સહયોગીઓના નેટવર્ક મારફતે ડ્રગ્સનું જથ્થાબંધ તેમજ છૂટક સ્તરે વેચાણ કરતા હતા. આ નેટવર્ક દ્વારા દિલ્હી-NCRમાં નશીલા પદાર્થોનો પુરવઠો પહોંચાડવામાં આવતો હોવાની આશંકા છે.
61 ગ્રામ MDMA પણ મળી આવ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણ નાઈજીરિયન નાગરિકો ભારતમાં નિર્ધારિત સમયમર્યાદા કરતાં વધુ સમયથી રોકાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે. તેમની સામે અગાઉ NDPS એક્ટ સંબંધિત કેસોમાં સંડોવણી હોવાની માહિતી મળ્યાનું પણ પોલીસે જણાવ્યું છે. આરોપીઓ પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે ભારતીય આરોપી પાસેથી વધુ 61 ગ્રામ MDMA પણ મળી આવ્યું હતું.
નશામુક્ત ભારત અભિયાનને આગળ વધારવા માટે કાર્યવાહી
હાલમાં પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. ડ્રગ્સના સપ્લાય સાથે સંકળાયેલા અન્ય લોકો, સંભવિત સંપર્કો અને નેટવર્કની કામગીરી વિશે માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ ઓપરેશન ઈન્સ્પેક્ટર લચ્છમણના નેતૃત્વમાં અને ACP મંગેશ ત્યાગીની દેખરેખ હેઠળ હાથ ધરાયું હતું. સમગ્ર કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચના DCP સંજીવ કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા અને નશામુક્ત ભારત અભિયાનને આગળ વધારવા માટે કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: Anand News: 2 લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી રૂપિયા 49 લાખ રોકડા મળ્યા





