Madhya Pradesh Crime: ભોપાલમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત,પત્ની, માતા અને બે બાળકોની હત્યા બાદ યુવકની આત્મહત્યા

Madhya Pradesh Crime: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.
Nisha Parmar
Nisha Parmar
Madhya Pradesh CrimeMadhya Pradesh Crime

Madhya Pradesh Crime

Madhya Pradesh Crime: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક યુવકે કથિત રીતે પોતાની પત્ની, માતા અને બે માસૂમ બાળકોની ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે રેલવે ટ્રેક પર જઈ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

ઘરમાંથી માતા, પત્ની અને બે બાળકોના મૃતદેહ મળ્યા

આ ઘટના ભોપાલના છોલા મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માલીખેડી વિસ્તારની છે. અહીં એક મકાનમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં આરોપી નરેન્દ્ર સાહુની પત્ની સોમલતા સાહુ (29), માતા સરસ્વતી સાહુ (50), પુત્રી કીર્તિ સાહુ (10) અને પુત્ર ખુશ સાહુ (6)નો સમાવેશ થાય છે.

બીજી તરફ, પરિવારના વડા નરેન્દ્ર સાહુ (35)નો મૃતદેહ સુખી સેવનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોપડા કલા ગામ નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે નરેન્દ્રએ પહેલાં પરિવારના ચાર સભ્યોની હત્યા કરી અને ત્યારબાદ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.

ઘરના અલગ-અલગ રૂમમાંથી લોહીના નિશાન મળ્યા

ઘટનાની જાણ થતાં પોલીસ અને તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મકાનમાંથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. ઘરના રૂમની અંદર લોહીના નિશાન મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ચારેય મૃતકોના ગળા પર ધારદાર હથિયારથી ઘા કરવામાં આવ્યા હતા.

પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિવિધ પાસાંઓથી તપાસ હાથ ધરવામાં આવી છે.

આર્થિક સંકડામણ અને દેવાના બોજની વાત સામે આવી

પ્રાથમિક માહિતી મુજબ, નરેન્દ્ર સાહુ કેટરિંગનો વ્યવસાય કરતો હતો. તેની પાસે એક રેસ્ટોરન્ટ પણ હતું, પરંતુ થોડા સમય પહેલાં તે બંધ થઈ ગયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર પર મોટું દેવું હતું અને પરિવાર છેલ્લા આશરે 15 દિવસથી મુશ્કેલીમાં હતો.

નરેન્દ્રએ કોની પાસેથી અને કેટલા રૂપિયા ઉધાર લીધા હતા તેમજ દેવાને કારણે તેના પર કેટલું દબાણ હતું, તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ આર્થિક સંકડામણ સહિતના તમામ સંભવિત કારણોની તપાસ કરી રહી છે.

ઊંઘમાં જ પરિવારની હત્યા કર્યાની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, નરેન્દ્રએ કથિત રીતે રાત્રિના સમયે ઊંઘમાં રહેલા પરિવારના સભ્યો પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. મૃતકોના ગળા પર ચાકુથી ઘા કરાયાની પ્રાથમિક માહિતી મળી છે.

હાલ પોલીસ દ્વારા ઘટનાક્રમ, હત્યા પાછળનું કારણ અને નરેન્દ્રની આત્મહત્યા સાથે જોડાયેલા સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોતથી માલીખેડી વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો : IndiaEU વચ્ચે FTAને લઈને ચર્ચા તેજ: બજાર પહોંચ, વેપાર સરળતા અને સપ્લાય ચેઇન મજબૂત બનાવવા પર ભાર