BRICS Summit 2026: ભારત વૈશ્વિક નેતાઓના સ્વાગત માટે તૈયાર, અમિત શાહે કહ્યું- ‘સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું’



BRICS Summit 2026
BRICS Summit 2026: ભારત વૈશ્વિક નેતાઓના સ્વાગત માટે તૈયાર, અમિત શાહે કહ્યું- ‘સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું’



BRICS Summit 2026
BRICS Summit 2026: ભારત 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS શિખર સંમેલનની યજમાની કરવા જઈ રહ્યું છે. આ હાઈ-પ્રોફાઇલ વૈશ્વિક સંમેલનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત આવી રહેલા વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું છે. શાહે કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે વૈશ્વિક નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને તમામ દેશો સાથે સંબંધો મજબૂત કરવા, સહયોગ વધારવા તથા વૈશ્વિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરવામાં આવશે. ભારત આ વર્ષે ચોથી વખત BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે.
‘BRICS 2026 માટે મંચ તૈયાર છે’
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘BRICS 2026 માટે મંચ તૈયાર છે!’ તેમણે બે દિવસીય વૈશ્વિક સંમેલન માટે તૈયાર કરવામાં આવેલા ભારત મંડપમનો વીડિયો પણ શેર કર્યો. શાહે કહ્યું કે દુનિયાભરની નજર આ સંમેલન પર છે અને BRICS દેશોના નેતાઓ સહયોગ, સંબંધો અને સામૂહિક સમૃદ્ધિ વધારવા માટે ચર્ચા કરશે.
11 દેશોના નેતાઓ એક મંચ પર
BRICSમાં હાલમાં બ્રાઝિલ, ચીન, ઈજિપ્ત, ઈથિયોપિયા, ભારત, ઈન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને UAE સહિત 11 દેશો સામેલ છે. આ દેશો મળીને વિશ્વની આશરે 49.5% વસ્તી, 40% વૈશ્વિક GDP અને 26% વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંકડા BRICSના વધતા વૈશ્વિક આર્થિક અને વ્યૂહાત્મક મહત્વને દર્શાવે છે.
ભારતની અધ્યક્ષતાનો ફોકસ- Resilience, Innovation, Cooperation અને Sustainability
2026માં ભારતની BRICS અધ્યક્ષતાનો મુખ્ય વિષય ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ રાખવામાં આવ્યો છે. આ અંતર્ગત વૈશ્વિક શાસન, બહુપક્ષીયતા, વેપાર, રોકાણ, ટેક્નોલોજી, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
ગ્લોબલ સાઉથ માટે ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ
વિસ્તરતા BRICS સાથે ભારત વૈશ્વિક દક્ષિણ (Global South)ના દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક સંસ્થાઓમાં વિકાસશીલ દેશોની ભૂમિકા મજબૂત કરવા પર ભાર આપી રહ્યું છે. ભારતે 1 જાન્યુઆરી 2026થી BRICSની અધ્યક્ષતા સંભાળી હતી અને આ ભારતની ચોથી BRICS અધ્યક્ષતા છે; અગાઉ 2012, 2016 અને 2021માં ભારતે સંગઠનની અધ્યક્ષતા કરી હતી.
12-13 સપ્ટેમ્બરે ભારત મંડપમમાં મહાસંમેલન
સંમેલનના પ્રથમ દિવસે BRICS સભ્ય દેશોના નેતાઓની બેઠક, ‘Bharat Innovates Exhibition’, ફેમિલી ફોટો અને સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બરની સાંજે નેતાઓ માટે ગાલા ડિનરનું પણ આયોજન કરશે. 13 સપ્ટેમ્બરે ભાગીદાર દેશો અને અન્ય આમંત્રિત નેતાઓની હાજરીમાં ‘Resilience, Innovation, Cooperation and Sustainability’ પર મુખ્ય સત્ર યોજાશે.
‘સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું’
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે BRICSના સભ્ય દેશો પરસ્પર સંબંધો મજબૂત કરવા અને સહયોગ વધારવા માટે સાથે મળીને આગળ વધશે. ભારતની યજમાનીમાં યોજાઈ રહેલું આ સંમેલન વૈશ્વિક આર્થિક સહયોગ, બહુપક્ષીયતા અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓ માટે મહત્વપૂર્ણ મંચ બની શકે છે.




