Vande Bharat: બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, PM મોદીએ કહ્યું- 'કનેક્ટિવિટી માટે ગેમચેન્જર સાબિત થશે'

Vande Bharat: બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી મળી. 16 કલાકની મુસાફરી, રૂટ, સ્ટોપેજ અને બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોરની તમામ જાણકારી વિશે જાણો.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 07:20 PM IST
Vande Bharat: બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, PM મોદીએ કહ્યું- 'કનેક્ટિવિટી માટે ગેમચેન્જર સાબિત થશે'Vande Bharat: બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, PM મોદીએ કહ્યું- 'કનેક્ટિવિટી માટે ગેમચેન્જર સાબિત થશે'

Bengaluru Mumbai Vande Bharat

Vande Bharat: ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ નવી ટ્રેન બંને મહાનગરો વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પહેલને આવકારીને તેને કનેક્ટિવિટી માટે 'ગેમચેન્જર' ગણાવી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ટેક્નોલોજી અને ઈનોવેશનના શહેર બેંગલુરુથી શરૂ થયેલી આ નવી વંદે ભારત સ્લીપર ટ્રેન દેશની રેલ કનેક્ટિવિટીને વધુ સારી બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમને જણાવ્યું કે આ ટ્રેનથી કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને લાભ મળશે. ખાસ કરીને યુવાનો, IT પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે આ સેવા ઉપયોગી સાબિત થશે.

16 કલાકમાં પૂર્ણ થશે બેંગલુરુથી મુંબઈની મુસાફરી

બેંગલુરુના સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલથી શરૂ થયેલી આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે. તે બેંગલુરુથી મુંબઈ વચ્ચેનું અંતર લગભગ 16 કલાકમાં પૂર્ણ કરશે. ટ્રેનમાં ફર્સ્ટ AC, AC ટુ-ટાયર અને AC થ્રી ટાયરની સુવિધા આપવામાં આવી છે.

મુસાફરોને આરામદાયક બર્થ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, રીડિંગ લાઈટ, GPS આધારિત પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ અને આધુનિક બાયો-વેક્યૂમ ટોયલેટ જેવી સુવિધાઓ મળશે. નિયમિત સેવા મુંબઈથી બેંગલુરુ તરફ 2 નવેમ્બરથી અને બેંગલુરુથી મુંબઈ તરફ 3 નવેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

આ સ્ટેશનો પર રોકાશે ટ્રેન

બેંગલુરુથી મુંબઈ વચ્ચેની નિયમિત સેવા દરમિયાન ટ્રેન અનંતપુર, ગુન્ટકલ, રાયચૂર, યાદગીર, કલબુર્ગી, સોલાપુર, પુણે અને કલ્યાણ સ્ટેશનો પર રોકાશે. આ સેવા કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના મુસાફરો માટે રાત્રિ મુસાફરીનો વધુ સુવિધાજનક વિકલ્પ પૂરો પાડશે.

બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોરને પણ મંજૂરી

આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના બુલેટ ટ્રેન નેટવર્ક અંગે પણ મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેનના નોર્ધન કોરિડોરને મંજૂરી આપી છે. આ કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનૌ, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, પટના અને સિલીગુડી થઈને ગુવાહાટી સુધી જશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થઈ શકે છે. પ્રસ્તાવિત સમય મુજબ દિલ્હીથી આગ્રા 59 મિનિટ, દિલ્હીથી કાનપુર 1 કલાક 45 મિનિટ, દિલ્હીથી લખનૌ 2 કલાક 12 મિનિટ અને દિલ્હીથી વારાણસી 3 કલાક 33 મિનિટમાં પહોંચી શકાશે.

બુલેટ ટ્રેનનું ભાડું સામાન્ય લોકોને પરવડે તેવું હશે

અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન માત્ર ધનિક વર્ગ માટે હોવાના વિપક્ષના આરોપોને પણ ફગાવ્યા હતા. તેમને જણાવ્યું કે બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ મુસાફરી કરતાં ઓછું અને સામાન્ય લોકોને પરવેડે તેવું રાખવાનો સરકારનો હેતુ છે. સરકાર દેશના નાગરિકો માટે ઝડપી, આધુનિક અને સુલભ પરિવહન વ્યવસ્થા વિકસાવવા માગે છે.

આ પણ વાંચો: GST Collection: ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 23%નો ઉછાળો, 2.31 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઈ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.