AMC Svanidhi Samman Award 2026: અમદાવાદ મનપાને રાષ્ટ્રીય સ્તરે સ્વનિધિ સન્માન એવોર્ડ-2026, PM સ્વનિધિ યોજનાના અમલીકરણમાં દેશમાં બીજો ક્રમ મેળવ્યો


AMC Svanidhi Samman Award 2026 PM SVANidhi scheme અમદાવાદ મનપા
AMC Svanidhi Samman Award 2026: અમદાવાદ મનપાને રાષ્ટ્રીય સ્તરે સ્વનિધિ સન્માન એવોર્ડ-2026, PM સ્વનિધિ યોજનાના અમલીકરણમાં દેશમાં બીજો ક્રમ મેળવ્યો


AMC Svanidhi Samman Award 2026 PM SVANidhi scheme અમદાવાદ મનપા
AMC Svanidhi Samman Award 2026: પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM-SVANidhi) યોજનાના અમલીકરણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ મહાનગરપાલિકાને રાષ્ટ્રીય સ્તરે ‘સ્વનિધિ સન્માન એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે 20 નવેમ્બર, 2026ના રોજ યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલના હસ્તે અમદાવાદ મનપાને આ સન્માન આપવામાં આવ્યું હતું. દેશભરની મહાનગરપાલિકાઓના મૂલ્યાંકનમાં અમદાવાદે બીજો ક્રમ મેળવ્યો છે. ખાસ વાત એ છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં અંદાજે 2.29 લાખ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
અમદાવાદ મનપાને રાષ્ટ્રીય સ્તરે બીજો ક્રમ
PM-SVANidhi યોજનાના અમલીકરણમાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. વિવિધ નિર્ધારિત માપદંડો અને તેના વેઇટેજના આધારે દેશભરની મહાનગરપાલિકાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ મનપાએ રાષ્ટ્રીય સ્તરે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ એવોર્ડ સમારંભમાં મેયર હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને UCD વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં 2.29 લાખ શેરી ફેરિયાઓને યોજનાનો લાભ
અમદાવાદ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં સૌથી વધુ શેરી ફેરિયાઓને PM-SVANidhi યોજનાનો લાભ પહોંચાડવાની સિદ્ધિ મેળવી છે. અમદાવાદમાં અંદાજે 2.29 લાખ ફેરિયાઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં અંદાજે 2.02 લાખ લાભાર્થીઓને લાભ મળ્યો છે. આ યોજના દ્વારા નાના વેપારીઓને કોઈપણ પ્રકારની જામીનગીરી વગર ધંધા માટે કાર્યકારી મૂડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ત્રણ તબક્કામાં ₹10 હજારથી ₹50 હજાર સુધીની લોન
જૂન 2020થી શરૂ થયેલી યોજનામાં પ્રથમ તબક્કે ફેરિયાઓને ₹10 હજારની પ્રથમ, ₹20 હજારની બીજી અને ₹50 હજારની ત્રીજી લોન આપવામાં આવતી હતી. સપ્ટેમ્બર 2025માં યોજનાના પુનર્ગઠન બાદ પ્રથમ લોનની રકમ ₹15 હજાર અને બીજી લોનની રકમ ₹25 હજાર કરવામાં આવી છે. ત્રીજી લોન ₹50 હજાર યથાવત્ રાખવામાં આવી છે. બીજી લોન સમયસર ભરપાઈ કરનાર ફેરિયાઓને ₹30 હજાર સુધીની ક્રેડિટ લિમિટ ધરાવતું ક્રેડિટ કાર્ડ આપવાની પણ જોગવાઈ છે.
બેંકો દ્વારા ₹391.61 કરોડની લોનનું વિતરણ
અમદાવાદમાં યોજનાના બંને તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,50,629 ફેરિયાઓને ₹161.33 કરોડની પ્રથમ લોન આપવામાં આવી છે. જ્યારે 55,896 ફેરિયાઓને ₹116.01 કરોડની બીજી લોન અને 22,889 ફેરિયાઓને ₹114.27 કરોડની ત્રીજી લોન આપવામાં આવી છે. આમ, બેંકો દ્વારા કુલ ₹391.61 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.
₹12.83 કરોડની વ્યાજ સબસિડી અને ₹8.87 કરોડનું કૅશબૅક
યોજનામાં નિયમિત લોન ભરપાઈ કરનાર ફેરિયાઓને વાર્ષિક 7 ટકા વ્યાજ સબસિડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા ₹12.83 કરોડની વ્યાજ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ ઉપરાંત, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા 1,13,248 ફેરિયાઓને કુલ ₹8.87 કરોડનું કૅશબૅક આપવામાં આવ્યું છે.
‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ હેઠળ 3.17 લાખથી વધુ લાભાર્થીઓ
PM-SVANidhi યોજનાની સાથે ફેરિયાઓ અને તેમના પરિવારજનોને અન્ય આઠ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. આ અંતર્ગત 96,297 ફેરિયાઓ અને તેમના પરિવારજનોનું પ્રોફાઇલિંગ કરવામાં આવ્યું છે. જૂન 2022થી ઓક્ટોબર 2026 દરમિયાન કુલ 213 કેમ્પ યોજીને 3,17,676 લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે.
અગાઉ પણ PRAISE AWARD-2024થી સન્માનિત
ઉલ્લેખનીય છે કે PM-SVANidhi યોજનાના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ મહાનગરપાલિકાને અગાઉ વર્ષ 2024માં પણ PRAISE AWARD-2024 એનાયત થયો હતો. કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા શેરી ફેરિયાઓને ફરીથી ધંધા-રોજગાર શરૂ કરવામાં આ યોજનાએ મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી છે. હવે સ્વનિધિ સન્માન એવોર્ડ-2026 મળતા અમદાવાદ મનપાની કામગીરીને વધુ એક રાષ્ટ્રીય સ્તરની ઓળખ મળી છે.




