PM Modi: ગુજરાતને મળશે ₹35,200 કરોડના વિકાસકાર્યોની ભેટ, PM મોદી આજે વડોદરા-નવસારીની મુલાકાતે



PM Modi
PM Modi: ગુજરાતને મળશે ₹35,200 કરોડના વિકાસકાર્યોની ભેટ, PM મોદી આજે વડોદરા-નવસારીની મુલાકાતે



PM Modi
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા કાર્યક્રમો દરમિયાન તેઓ ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુ અને રાજ્ય સરકારના ₹2,597 કરોડથી વધુના કામો સામેલ છે. વડોદરામાં યોજાનારા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રેલવેના ₹30,766 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સૌથી મોટો હિસ્સો રેલવે પ્રોજેક્ટ્સનો છે. ₹30,766 કરોડથી વધુના રેલવે કામોનું ઉદ્ઘાટન અથવા ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ સેક્શનનો સમાવેશ થાય છે.
326 કિમી WDFCનું મહત્વપૂર્ણ કામ
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કુલ 326 કિલોમીટર લાંબા ત્રણ સેક્શનનું કામ અંદાજે ₹20,703 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કોરિડોરથી માલવાહક ટ્રેનોની પરિવહન ક્ષમતા અને ગતિમાં વધારો થવાની સાથે પશ્ચિમ ભારતમાં માલ પરિવહનનું નેટવર્ક વધુ મજબૂત બનશે.
વડોદરા-રતલામ વચ્ચે ત્રીજી-ચોથી રેલવે લાઇન
વડોદરા અને રતલામ વચ્ચે 259 કિલોમીટર વિસ્તારમાં ત્રીજી અને ચોથી રેલવે લાઇન માટે પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹8,885 કરોડ છે. નવી રેલવે લાઇનો બનવાથી આ રૂટ પર ટ્રેનની અવરજવર વધારવામાં મદદ મળશે અને મુસાફરી તથા માલ પરિવહન માટેની ક્ષમતા મજબૂત થશે.
અન્ય રેલવે કામો પણ સામેલ
આ ઉપરાંત વિવિધ રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન તેમજ હાલની લાઇનોની બાજુમાં બીજી રેલવે લાઇનના નિર્માણ જેવા પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, આ તમામ પ્રોજેક્ટ્સ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.




