Vadodara: લિખટેન્સના રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફીની વડોદરાની મુલાકાત, હિલ્ટી પ્લાન્ટથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધી પહોંચ્યાં

Vadodara: યુરોપિયન દેશ લિખટેન્સના રાજકુમાર શ્રી અલોઇસ અને રાજકુમારી શ્રી સોફીએ વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Oct 2026 08:45 PM IST
Vadodara: લિખટેન્સના રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફીની વડોદરાની મુલાકાત, હિલ્ટી પ્લાન્ટથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધી પહોંચ્યાંVadodara: લિખટેન્સના રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફીની વડોદરાની મુલાકાત, હિલ્ટી પ્લાન્ટથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધી પહોંચ્યાં

Vadodara

Vadodara: યુરોપિયન દેશ લિખટેન્સના રાજકુમાર શ્રી અલોઇસ અને રાજકુમારી શ્રી સોફીએ વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી. ભારતની રાજદ્વારી મુલાકાતે આવેલા બંને મહાનુભાવોએ સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લઈને શહેરના સમૃદ્ધ વારસા અને સ્થાપત્ય વૈભવને નિહાળ્યું હતું.

હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ

સાવલી સ્થિત હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટ ખાતે રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફીનું કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવોએ ઉત્પાદન એકમની વિવિધ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. કંપનીના અધિકારીઓએ તેમને પ્લાન્ટની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

વેપાર અને ઔદ્યોગિક સહયોગ અંગે ચર્ચા

મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં વેપારી સંબંધો, ઔદ્યોગિક સહયોગ અને પરસ્પર આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાતથી ભારત અને લિખટેન્સ વચ્ચે વેપાર તથા ઔદ્યોગિક ક્ષેત્રે સહયોગની નવી તકો ઊભી થવાની સંભાવનાઓ અંગે પણ સંવાદ થયો હતો.

લક્ષ્મી વિલાસ પેલેસમાં વડોદરાના ઐતિહાસિક વારસાની ઝલક

હિલ્ટી ઇન્ડિયા પ્લાન્ટની મુલાકાત બાદ રાજકુમાર અલોઇસ અને રાજકુમારી સોફી વડોદરાના ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યાં હતાં. અહીં તેમણે વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, ઐતિહાસિક વારસો અને સ્થાપત્ય કલાને નિહાળી હતી. આ પ્રસંગે ગાયકવાડ રાજવી પરિવારનાં શુભાંગિનીદેવી ગાયકવાડ અને સમરજીત ગાયકવાડે વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

વડોદરા એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

બંને મહાનુભાવોનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સચિવ જ્વલંત ત્રિવેદી, વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને હિલ્ટી ઇન્ડિયાના સીઈઓ ગિરિધર જમુનાથન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાની આ મુલાકાત દરમિયાન ઔદ્યોગિક વિકાસ, વેપારી સહયોગ અને ઐતિહાસિક વારસાના આદાનપ્રદાનને મહત્ત્વ મળ્યું હતું.

આ પણ વાંચો : Mehsanaમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: કિયા સેલ્ટોસમાંથી વિદેશી દારૂની 3,263 બોટલો મળી

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.