Surat Digital Arrest Fraud: સુરતમાં ડિજિટલ અરેસ્ટના નામે દંપતી સાથે રૂ.13 લાખની ઠગાઈ, સાયબર ક્રાઈમે આરોપીને ઝડપ્યો



Surat Digital Arrest Fraud
Surat Digital Arrest Fraud: સુરતમાં ડિજિટલ અરેસ્ટના નામે દંપતી સાથે રૂ.13 લાખની ઠગાઈ, સાયબર ક્રાઈમે આરોપીને ઝડપ્યો



Surat Digital Arrest Fraud
Surat Digital Arrest Fraud: સુરતમાં ડિજિટલ અરેસ્ટના નામે દંપતી સાથે રૂ.13 લાખની ઠગાઈના કેસમાં સુરત સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે. ઠગોએ દંપતીને પાંચ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખી પોલીસ અને નાણાકીય અધિકારી બની ડરાવી-ધમકાવી પૈસા પડાવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ દરમિયાન સાયબર ક્રાઈમે 35 વર્ષીય આફાક આલમની ધરપકડ કરી છે.

પોલીસ અને નાણાકીય અધિકારી બની દંપતીને ડરાવ્યા
આરોપીઓએ દંપતીને ફોન અને વીડિયો કોલ કરીને પોલીસ તથા નાણાકીય અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમના નામે સિમકાર્ડ અને કેનેરા બેન્કનું ખાતું ખૂલ્યું હોવાનું કહી આ ખાતું નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં સંડોવાયેલું હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ દંપતીને કથિત રીતે ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા અને પાંચ દિવસ સુધી ડરાવી-ધમકાવી તેમની પાસેથી રૂ.13 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
નકલી અરેસ્ટ વોરંટ અને સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો બતાવ્યા
સાયબર ઠગોએ પોલીસ, CBI, ક્રાઈમ બ્રાન્ચ, RBI અને સુપ્રીમ કોર્ટના બનાવટી દસ્તાવેજો વીડિયો કોલ મારફતે મોકલ્યા હતા. આ ઉપરાંત બનાવટી અરેસ્ટ વોરંટ અને સુપ્રીમ કોર્ટના પત્રો બતાવી દંપતીને વિશ્વાસમાં લઈ નાણાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.
બોગસ ફર્મ બનાવી બેન્ક એકાઉન્ટ ખોલ્યું
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આફાક આલમ મૂળ બિજનૌર, ઉત્તર પ્રદેશનો છે અને હાલ મુંબઈના માલવણી, માલાડ વેસ્ટ વિસ્તારમાં રહેતો હતો. આરોપીએ દિલ્હીના સરનામે બોગસ રીતે ફર્મ બનાવી Yes Bankમાં કરંટ એકાઉન્ટ ખોલ્યું હતું. તપાસ મુજબ, આ બેન્ક ખાતું તેણે રૂ.3 લાખના કમિશનના બદલામાં ફરાર આરોપીઓને સોંપ્યું હતું.
ખાતામાં રૂ.1.05 કરોડથી વધુના વ્યવહારો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 ડિસેમ્બર 2025થી 21 જાન્યુઆરી 2026 દરમિયાન આ બેન્ક ખાતામાં રૂ.1.05 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા હતા. NCCRP પોર્ટલની તપાસમાં પણ આ ખાતાની કડી ત્રણ રાજ્યોમાં નોંધાયેલી કુલ રૂ.2.43 કરોડની છેતરપિંડીની ફરિયાદો સાથે મળી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
BNS અને IT Act હેઠળ ગુનો નોંધાયો
સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS અને IT Actની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આ નાણાકીય નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, ઠગાઈની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ફરાર આરોપીઓની ભૂમિકા શું છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



