Surat Gold Ghari: સુરતમાં ચંદી પડવાની ધૂમ, રૂપિયા 21,000ની ગોલ્ડ ઘારી બની આકર્ષણનું કેન્દ્ર


Surat Gold Ghari
Surat Gold Ghari: સુરતમાં ચંદી પડવાની ધૂમ, રૂપિયા 21,000ની ગોલ્ડ ઘારી બની આકર્ષણનું કેન્દ્ર


Surat Gold Ghari
Surat Gold Ghari: સુરતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે ચંદી પડવો. આ તહેવારને લઈને સુરતમાં ઘારીની ખરીદીનો માહોલ જામ્યો છે. ચંદી પડવાના દિવસે સુરતીઓ હજારો ટન ઘારીનો સ્વાદ માણશે. શહેરની મીઠાઈની દુકાનોમાં વિવિધ ફ્લેવરની ઘારીની માગ વધી રહી છે. આ વર્ષે ખાસ કરીને રૂપિયા 21,000 પ્રતિ કિલોના ભાવે મળતી ગોલ્ડ ઘારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઘારીમાં બ્લુબેરીથી લઈને કાજુ મેંગો સુધીની વેરાયટી
સુરતમાં આ વર્ષે 24 કેરેટની મીઠાઈથી તૈયાર કરવામાં આવેલી ગોલ્ડ ઘારી ચર્ચામાં છે. પ્રતિ કિલો રૂપિયા 21,000ની કિંમત ધરાવતી આ ઘારી તેની વિશિષ્ટ બનાવટ અને પ્રીમિયમ સ્વરૂપને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તહેવાર દરમિયાન કંઈક અલગ અને ખાસ ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે આ ઘારી આકર્ષણ બની છે.
સુરતની મીઠાઈની દુકાનોમાં પરંપરાગત ઘારીની સાથે અનેક નવીન ફ્લેવર પણ ઉપલબ્ધ છે. તેમાં બ્લુબેરી ઘારી, ચીકુ ચોકલેટ, અંજીર અખરોટ, કલકત્તી પાન મસાલા, બદામ પિસ્તા, કેસર પિસ્તા અને કાજુ મેંગો સહિતની વિવિધ વેરાયટીનો સમાવેશ થાય છે. પરંપરાગત સ્વાદની સાથે નવીન ફ્લેવર પસંદ કરતા ગ્રાહકો માટે આ વિવિધતા ખાસ આકર્ષણરૂપ બની રહી છે. તહેવાર નિમિત્તે લોકો પોતાના પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો માટે ઘારીની ખરીદી કરી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ 40% ભાવવધારો
આ વર્ષે ઘારીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 40 ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આમ છતાં, તહેવારની પરંપરા જાળવવા માટે સુરતીઓ ઘારીની ખરીદી કરી રહ્યા છે. સુરતની ઘારી માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી. સુરતીઓ દ્વારા દેશના અન્ય વિસ્તારો ઉપરાંત વિદેશમાં રહેતા પરિવારજનો અને સ્નેહીજનો માટે પણ ઘારી મોકલવામાં આવે છે. ચંદી પડવાના તહેવાર સાથે જોડાયેલી આ પરંપરા સુરતની વિશેષ ઓળખ બની ગઈ છે.
આ પણ વાંચો: Junagadh Fake Ghee: જૂનાગઢમાં ભેળસેળવાળા ઘીનો પર્દાફાશ! 300 કિલોથી વધુ જથ્થો ઝડપાયો





