Kutch News: સર ક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા, બોટ કરાઈ જપ્ત


Kutch News
Kutch News: સર ક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા, બોટ કરાઈ જપ્ત


Kutch News
Kutch News: ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના સર ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કાર્યવાહી કરીને ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર આ ચારેય પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી એક પાકિસ્તાની ફાઈબર ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
એક પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ સરહદે સર ક્રીક વિસ્તારમાં BSF દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશેલી એક પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી હતી. બોટમાં સવાર ચાર પાકિસ્તાની માછીમારોને સુરક્ષા દળે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બોટને પણ જપ્ત કરવામાં આવી હતી. ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કાદિર થાઈમોર, મુહમ્મદ મુસા, અઝગર થાઈમોર અને અહસાન જાટ તરીકે થઈ છે.
BSF દ્વારા સર ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન
પ્રાથમિક તપાસમાં આ માછીમારો માછીમારી કરવાના બહાને ભારતીય જળસીમામાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, તેમની ઘૂસણખોરી પાછળના ચોક્કસ હેતુ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને BSF દ્વારા સર ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો હેતુ વિસ્તારમાં અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બોટ અથવા ગતિવિધિની હાજરી છે કે નહીં તેની તપાસ કરવાનો છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ
હાલમાં ઝડપાયેલા ચારેય પાકિસ્તાની નાગરિકોની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી જરૂરી વિગતો મેળવવા તેમજ ભારતીય જળસીમામાં પ્રવેશવા પાછળના કારણો જાણવા તપાસ ચાલી રહી છે. કચ્છનો સર ક્રીક વિસ્તાર ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંવેદનશીલ સરહદી વિસ્તાર હોવાથી અહીં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. આ ઘટનાને પગલે સંબંધિત એજન્સીઓ દ્વારા વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: CNG Price Hike: બનાસકાંઠામાં CNGના ભાવમાં ફરી વધારો, પ્રતિ કિલો રૂપિયા 4નો વધારો ઝીંકાયો





