Pithvadi News: પીઠવડી ગ્રામ પંચાયતમાં RTI માહિતી માંગવા મામલે મારામારી

Pithvadi News: પીઠવડી ગામમાં માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ માહિતી મેળવવાનો મામલો ઉગ્ર વિવાદમાં ફેરવાયો છે.
Nisha Parmar
Nisha Parmar
Pithvadi gram panchayat RTI information dispute clash પીઠવડી પંચાયત વિવાદPithvadi gram panchayat RTI information dispute clash પીઠવડી પંચાયત વિવાદ

Pithvadi gram panchayat RTI information dispute clash પીઠવડી પંચાયત વિવાદ

Pithvadi News: પીઠવડી ગામમાં માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ માહિતી મેળવવાનો મામલો ઉગ્ર વિવાદમાં ફેરવાયો છે. ગ્રામ પંચાયતનાં વિકાસકામો અને વર્ક ઓર્ડર અંગે માહિતી માંગનાર અરજદાર નીતિન નડિયાદરા સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પંચાયત કચેરીમાં તોડફોડ અને સામસામે ઝપાઝપીની ઘટના બાદ ગામમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે અરજદાર અને સરપંચે એકબીજા સામે આક્ષેપો કર્યા છે.

વિકાસકામો અને વર્ક ઓર્ડરની માહિતી માંગી હતી

મળતી માહિતી મુજબ, પીઠવડી ગામના નીતિનભાઈ પરશોત્તમભાઈ નડિયાદરાએ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલાં વિકાસકામો અને તેના વર્ક ઓર્ડર અંગે RTI અરજી કરીને માહિતી માંગી હતી. આ માહિતી મેળવવા માટે તેઓ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી સમક્ષ પહોંચ્યા હતા.

નીતિનભાઈના આક્ષેપ મુજબ, તેઓ શાંતિપૂર્ણ રીતે માહિતી માંગી રહ્યા હતા ત્યારે આશરે આઠ જેટલા શખ્સો પાઇપ અને ધોકા સાથે પંચાયત કચેરીમાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ કચેરીમાં ટેબલ-ખુરશીઓની તોડફોડ કરી તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન શરીરે બટકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. ઇજાગ્રસ્ત નીતિનભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સરપંચે કર્યો પલટવાર, અરજદાર સામે પણ આક્ષેપ

બીજી તરફ, પીઠવડીના સરપંચ ભૌતિક સુહાગીયાએ સમગ્ર મામલે અલગ જ રજૂઆત કરી છે. સરપંચના જણાવ્યા અનુસાર, નીતિનભાઈ ચૂંટણીમાં હારી ગયા હોવાથી અવારનવાર સરકારી કામોમાં ખલેલ પહોંચાડતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, તલાટી કમ મંત્રી દ્વારા RTIનો જવાબ લેખિતમાં રજિસ્ટર્ડ એડી મારફતે મોકલવામાં આવ્યો હતો અને બુધવારે રૂબરૂ આવી માહિતીની ચકાસણી કરવા જણાવાયું હતું. જોકે, અરજદાર સોમવારે જ તાત્કાલિક માહિતી મેળવવા પહોંચ્યા હતા અને તલાટી મંત્રી સાથે ગેરવર્તણૂક કરી હતી. મામલો શાંત પાડવા દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ સામસામે ઝપાઝપી થઈ હોવાનો સરપંચે દાવો કર્યો છે.

બંને પક્ષે સામસામે આક્ષેપો, પોલીસ કાર્યવાહી શરૂ

આ ઘટનાને પગલે ગ્રામ પંચાયત કચેરીમાં થયેલી તોડફોડ અને મારામારીનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ RTI અરજદારે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ સરપંચે પણ અરજદારના વર્તન સામે સવાલો ઉઠાવ્યા છે. હાલ બંને પક્ષે સામસામે આક્ષેપો સાથે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવેલા RTI કાયદા હેઠળ માહિતી માંગવાના મામલે થયેલા આ ઘર્ષણે અનેક સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત શું સામે આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Aravalli Police: દિવાળીને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ, 8 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ