Patan News: રૂપિયા 65 કરોડના ખર્ચે બનેલી જનતા કેન્સર હોસ્પિટલનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ


Patan News
Patan News: રૂપિયા 65 કરોડના ખર્ચે બનેલી જનતા કેન્સર હોસ્પિટલનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ


Patan News
Patan News: પાટણ શહેર અને આસપાસના વિસ્તારોના કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણમાં જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સહિત સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ખાસ વાત એ રહી કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું.
50 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી
લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલના ટ્રસ્ટીઓએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે મુખ્યમંત્રીને વિસ્તૃત માહિતી આપી હતી. આશરે 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની ઉત્તમ સારવાર અને સંભાળ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં પાંચ ઓપરેશન થિયેટર અને 50 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેન્સરના દર્દીઓને આધુનિક નિદાન અને સારવારની સુવિધા મળશે
હોસ્પિટલની સૌથી મહત્ત્વની સુવિધા 9 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલી PET-CT સ્કેન મશીન છે. આ મશીનની મદદથી કેન્સરનું ચોક્કસ નિદાન કરવામાં મદદ મળશે. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ ધારકો માટે PET-CT ટેસ્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. જ્યારે આયુષ્માન કાર્ડ ન ધરાવતા દર્દીઓ માટે આ ટેસ્ટ માત્ર 12,000 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ શરૂ થવાથી પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેન્સરના દર્દીઓને આધુનિક નિદાન અને સારવારની સુવિધા સ્થાનિક સ્તરે મળી શકશે.





