Get News Alerts

Never miss breaking news updates.

Junagadh: ચુડા-ઢોળવા વચ્ચેનો 33 ફૂટનો રસ્તો સર્વસંમતિથી ખુલ્લો કરાયો

Junagadh: ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચે વર્ષોથી સાંકડો બનેલો રાજાશાહી સમયનો માર્ગ હવે સર્વસંમતિથી 33 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 03:53 PM IST
Junagadh: ચુડા-ઢોળવા વચ્ચેનો 33 ફૂટનો રસ્તો સર્વસંમતિથી ખુલ્લો કરાયોJunagadh: ચુડા-ઢોળવા વચ્ચેનો 33 ફૂટનો રસ્તો સર્વસંમતિથી ખુલ્લો કરાયો

Junagadh

Junagadh: ભેસાણ તાલુકાના ચુડા અને ઢોળવા ગામ વચ્ચે વર્ષોથી સાંકડો બનેલો રાજાશાહી સમયનો માર્ગ હવે સર્વસંમતિથી 33 ફૂટ પહોળો કરવામાં આવ્યો છે. બંને ગામના ખેડૂતો અને આગેવાનોની સંમતિથી, સ્વખર્ચે અને એક પણ સરકારી નાણાંનો ઉપયોગ કર્યા વગર રસ્તો ખુલ્લો કરાયો છે.

રાજાશાહી સમયનો માર્ગ ફરી બન્યો ઉપયોગી

ચુડા અને ઢોળવા ગામ વચ્ચેનો આ માર્ગ રાજાશાહી સમયથી અસ્તિત્વમાં છે. અગાઉ આ રસ્તા પરથી એકસાથે બે ભરેલા બળદગાડા પણ સરળતાથી પસાર થઈ શકતા હતા. જૂનાગઢ-ચુડા બસ વાયા ઢોળવા ચાલતી ત્યારે પણ આ જ માર્ગનો ઉપયોગ થતો હતો.

વાડો વધતા રસ્તો બન્યો હતો સાંકડો

સમય જતાં રસ્તાની બંને બાજુ આવેલી વાડો અને અન્ય દબાણના કારણે માર્ગ ધીમે ધીમે સાંકડો બનતો ગયો હતો. સ્થિતિ એવી બની હતી કે ટ્રેક્ટર અને મોટરસાયકલ સામસામે આવે તો પણ એકસાથે પસાર થવું મુશ્કેલ બનતું હતું.

ખેડૂતોની બેઠક બાદ સર્વસંમતિથી નિર્ણય

રસ્તા પરથી પસાર થતા ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને ચુડા ગામના રસ્તા ઉપર આવેલા ખાતેદાર ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચુડા સ્ટેટના દરબાર ભરતસિંહ વાળા અને ગોદડ વાળા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારી ખર્ચ વિના રસ્તો 33 ફૂટ ખુલ્લો કરાયો

જિલ્લા કલેક્ટરની સૂચના તેમજ ભેસાણ મામલતદાર પારધીની સમજાવટ અને પ્રેરણાથી બંને ગામના આગેવાનો તથા તમામ સંબંધિત ખેડૂત ખાતેદારોએ સર્વસંમતિ દર્શાવી હતી. ત્યારબાદ સ્વખર્ચે કોઈપણ સરકારી નાણાંનો ઉપયોગ કર્યા વગર માર્ગને 33 ફૂટ પહોળો કરવામાં આવ્યો.

આગેવાનોની મહેનતથી વિવાદનો ઉકેલ

આ સમગ્ર કામગીરીમાં મનીષભાઈ કાળુભાઈ ગોંડલીયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલીયા, ગોવિંદભાઈ કોરાટ, વલ્લભભાઈ ગજેરા સહિત બંને ગામના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમયથી ચાલતી સમસ્યાનો વિવાદ વિના ઉકેલ આવે તે માટે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

દરબાર ભરતસિંહ વાળાએ શું કહ્યું?

ચુડા સ્ટેટના દરબાર ભરતભાઈ વાળાએ જણાવ્યું કે, છેલ્લા દોઢથી બે વર્ષથી મુન્નાભાઈ ગોંડલીયા અને ચુડા ગામના ઉપસરપંચ ઉદયભાઈ ગોંડલીયા આ કામગીરી માટે સતત મહેનત કરી રહ્યા હતા. લોકોએ તેમના હસ્તક્ષેપને મહત્વ આપ્યું અને તેના પરિણામે સૌના ઉપયોગી એવું કાર્ય શક્ય બન્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે, જો આવા પ્રશ્નોનો ઉકેલ સર્વસંમતિથી લાવવામાં આવે તો ખેડૂતોને ચોમાસા દરમિયાન અને ખેતીની સિઝનમાં પડતી મુશ્કેલીઓ કાયમી રીતે દૂર થઈ શકે છે. સારા રસ્તાઓના કારણે ખેડૂતોની જમીનની કિંમતમાં પણ વધારો થઈ શકે છે.

અનોખું અને પ્રેરણાદાયક કાર્ય

સરકારી તંત્ર, ખેડૂતો અને સ્થાનિક આગેવાનોના સંકલનથી કોઈ સરકારી ખર્ચ વિના રસ્તો પહોળો કરવાનું આ કાર્ય અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. ગામના વિકાસ માટે સહમતી અને સહકારથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેનું આ એક ઉદાહરણ છે.

આ પણ વાંચો : Art Of Living: અમદાવાદમાં શ્રાવણ માસની ભવ્ય ઉજવણી: આર્ટ ઓફ લિવિંગ દ્વારા 31 ઓગસ્ટે સામૂહિક રુદ્રપૂજા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.