Junagadh નો ઉપરકોટ કિલ્લો 4 દિવસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો, દીપડો પાંજરે પૂરાતા વન વિભાગે લીધો રાહતનો શ્વાસ



Junagadh Fort Open
Junagadh નો ઉપરકોટ કિલ્લો 4 દિવસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો, દીપડો પાંજરે પૂરાતા વન વિભાગે લીધો રાહતનો શ્વાસ



Junagadh Fort Open
Junagadh : કિલ્લાની રાંગ પર દીપડો આંટાફેરા મારતો હોવાનો વીડિયો સામે આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી બંધ રાખવામાં આવેલો ઉપરકોટ કિલ્લો હવે ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જૂનાગઢ વન વિભાગ દ્વારા ચાર દિવસ સુધી સઘન તપાસ અને સતત મોનિટરિંગ કર્યા બાદ વિસ્તારને પ્રવાસીઓ માટે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.
દીપડો આખરે પાંજરામાં પૂરાયો
અગાઉ ઉપરકોટ કિલ્લાની રાંગ પર દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કિલ્લો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન વન વિભાગની ટીમોએ સમગ્ર વિસ્તારમાં દીપડાની શોધખોળ શરૂ કરી હતી. દીપડાને સુરક્ષિત રીતે પકડવા અને તેની હિલચાલ પર નજર રાખવા માટે સમગ્ર પરિસરમાં ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સાથે જ વન વિભાગના ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર ટીમ અને વેટરનરી ટીમ દ્વારા સ્થળ પર પગપાળા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
વન વિભાગની ટીમ લાવી રંગ
વન વિભાગ દ્વારા માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રી દરમિયાન પણ સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં 24×7 પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ટ્રેપ કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી, જ્યારે થર્મલ ડ્રોનની મદદથી પણ વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય હેતુ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કિલ્લા વિસ્તારમાં વન્યજીવની હાજરી અંગે ચોક્કસ માહિતી મેળવવાનો હતો.
ચાર દિવસની સતત મહેનત અને સઘન દેખરેખ બાદ હાલ ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ રાહત જોવા મળી રહી છે.
પ્રવાસીઓ માટે કિલ્લો આજથી શરૂ
વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, પ્રવાસીઓની સલામતી સર્વોપરી છે. સાથે જ વન્યજીવ સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે વિભાગ સતત સતર્ક રહેશે. પ્રવાસીઓને ઉપરકોટ કિલ્લાની મુલાકાત દરમિયાન નિશ્ચિંત રહેવા જણાવાયું છે, જોકે જંગલ અથવા વન વિસ્તારની નજીક હોય ત્યારે જરૂરી સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
ઐતિહાસિક અને પર્યટન દ્રષ્ટિએ મહત્વ ધરાવતો ઉપરકોટ કિલ્લો ફરી ખુલતા જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રને પણ રાહત મળી છે. ચાર દિવસ સુધી ચાલેલી સઘન કામગીરી બાદ હવે પ્રવાસીઓ ફરીથી ઉપરકોટ કિલ્લાની ઐતિહાસિક ધરોહરનો આનંદ માણી શકશે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



