Jio Platforms IPO: ઐતિહાસિક લિસ્ટિંગની ચોરવાડમાં ભવ્ય ઉજવણી, 25,000થી વધુ લોકોએ માણ્યું સમૂહ ભોજન


Jio Platforms IPO
Jio Platforms IPO: ઐતિહાસિક લિસ્ટિંગની ચોરવાડમાં ભવ્ય ઉજવણી, 25,000થી વધુ લોકોએ માણ્યું સમૂહ ભોજન


Jio Platforms IPO
Jio Platforms IPO: ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઈશ્યૂના 21 ટકાથી વધુ પ્રીમિયમ સાથે થયેલા લિસ્ટિંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 25,000થી વધુ ગ્રામજનો માટે સમૂહ ભોજન અને ત્યારબાદ ગુજરાતના જાણીતા કલાકારોનો લોકડાયરો યોજાયો હતો.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિયો પ્લેટફોર્મ્સની સફળતાને ધીરુભાઈ અંબાણીના સપનાની સિદ્ધિ ગણાવી હતી. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ અને જિયો માટે જોયેલા સ્વપ્નને મુકેશ અંબાણી તથા તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંત અંબાણીએ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમણે આ સિદ્ધિને અંબાણી પરિવારની સાથે દેશ માટે પણ ગૌરવની બાબત ગણાવી હતી.
જુની મુલાકાતની યાદો પણ વાગોળી
તેમણે વર્ષ 1995માં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન સાથે ચોરવાડ તથા કુકસવાડાની ત્રણ દિવસની મુલાકાતની યાદો પણ વાગોળી હતી. રિલાયન્સના પ્રારંભિક પબ્લિક ઈશ્યૂ વખતે રોકાણકારોએ ધીરુભાઈ પર જે વિશ્વાસ મૂક્યો હતો, તે વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પ્રત્યે યથાવત્ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવેલા સામાજિક યોગદાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ અને કુકસવાડાની એચ.જી. અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે.
લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સમૂહ ભોજન બાદ યોજાયેલા લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની રજૂઆતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ પણ રમૂજી રજૂઆતો કરી સૌને હસાવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિયો પ્લેટફોર્મ્સની સફળતાને વતન સાથે જોડીને ઉજવાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: Amreli News: લીલીયા પંથકમાં ખનીજ વિભાગની કાર્યવાહી, બે ડમ્પર ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબજે





