Jamnagar News: એસ.કે. રેસ્ટોરન્ટના ભોજનથી 7 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, મનપાએ રેસ્ટોરન્ટ બંધ કરાવ્યું


Jamnagar News
Jamnagar News: એસ.કે. રેસ્ટોરન્ટના ભોજનથી 7 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, મનપાએ રેસ્ટોરન્ટ બંધ કરાવ્યું


Jamnagar News
Jamnagar News: જામનગરમાં એસ.કે. રેસ્ટોરન્ટમાંથી મગાવેલું ભોજન આરોગ્યા બાદ 7 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થોના પાંચ નમૂના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સ્વચ્છતા અને હાઈજીનના ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી વિભાગની ટીમે રેસ્ટોરન્ટની સ્થળ તપાસ કરી
મળતી માહિતી અનુસાર, 26 અને 27 ઑક્ટોબરના રોજ એસ.કે. રેસ્ટોરન્ટમાંથી ચિકન સાવરમા, રાઈસ અને બિરયાની જેવી વાનગીઓ મગાવીને આરોગવામાં આવી હતી. ત્યારબાદ સાત લોકોને તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત 7 દર્દીઓમાંથી ચાર દર્દીઓ લીમડા લાઈન સ્થિત ડો. અલવાર હોસ્પિટલમાં અને ત્રણ દર્દીઓ એસ.ટી. રોડ પર આવેલી યુનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની ટીમે રેસ્ટોરન્ટની સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોના પાંચ નમૂના એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઈજીન, રિનોવેશન, પેસ્ટ કંટ્રોલ અને પીવાના પાણીની ગુણવત્તા અંગેના રિપોર્ટની પણ તપાસ કરવામાં આવશે.
રેસ્ટોરન્ટ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે
રેસ્ટોરન્ટના કર્મચારીઓની મેડિકલ ફિટનેસ અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરીના રિપોર્ટ અને જરૂરી નિયમોનું પાલન થયા બાદ જ રેસ્ટોરન્ટ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ સાતેય દર્દીઓ સારવાર હેઠળ છે અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ ભોજનની ગુણવત્તા અને ઘટનાના સંભવિત કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો: Ekta Nagar Rain Forest: રૂપિયા 9.49 કરોડના ખર્ચે 'રેઈન ફોરેસ્ટ' તૈયાર, 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક બનશે મુખ્ય આકર્ષણ





