Jamnagar News: જામનગરમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 2,150 બોટલ જપ્ત


Jamnagar News
Jamnagar News: જામનગરમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 2,150 બોટલ જપ્ત


Jamnagar News
Jamnagar News: જામનગરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 2,150 દારૂની બોટલો સહિત રૂપિયા 6,20,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
50 જેટલા શંકાસ્પદ પાર્સલની તપાસ કરવામાં આવી
મળતી માહિતી મુજબ, જામનગર પોલીસને ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ગોમતીપુર વિસ્તારમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા અંદાજે 50 જેટલા શંકાસ્પદ પાર્સલની તપાસ કરવામાં આવી હતી. પાર્સલોની તપાસ દરમિયાન પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 2,150 બોટલો મળી આવી હતી. આ દારૂ પાર્સલ મારફતે ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન સુધી પહોંચાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતાં જામનગરમાં ચકચાર મચી
પોલીસ તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ હકીકત સામે આવી છે. આ દારૂનો જથ્થો 'સીમરન એન્ટરપ્રાઈઝ'ના નામે મોકલવામાં આવ્યો હતો, જ્યારે 'યુવરાજ એન્ટરપ્રાઈઝ' મારફતે મગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આથી દારૂ મોકલનાર અને મગાવનાર બંનેની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે અને હેરાફેરીનું નેટવર્ક કેટલું મોટું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. ટ્રાન્સપોર્ટ પાર્સલની આડમાં ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતાં જામનગરમાં ચકચાર મચી છે.





