Jamnagar News: નેત્રમ શાખાની સતર્કતાથી મહિલાના 11 તોલા સોનાના દાગીના પરત મળ્યા


Jamnagar News
Jamnagar News: નેત્રમ શાખાની સતર્કતાથી મહિલાના 11 તોલા સોનાના દાગીના પરત મળ્યા


Jamnagar News
Jamnagar News: જામનગરમાં નેત્રમ શાખાની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે એક મહિલાને આશરે રૂપિયા 15 લાખની કિંમતના સોનાના દાગીના ગણતરીના કલાકોમાં પરત મળી ગયા છે. ખરીદી કરીને ઘરે પરત ફરતી વખતે મહિલાની દાગીનાથી ભરેલી થેલી રસ્તામાં પડી ગઈ હતી. જોકે, CCTV કેમેરાની મદદથી થેલીનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું અને રિક્ષાચાલકનો સંપર્ક કરીને દાગીના પરત મેળવવામાં આવ્યા હતા.
સોનાના દાગીના ભરેલી થેલી પડી ગઈ હતી
મળતી માહિતી મુજબ, મહિલા જામનગરના ચાંદીબજારમાં ખરીદી કરવા ગઈ હતી. ખરીદી પૂર્ણ કર્યા બાદ તે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં તેની સોનાના દાગીના ભરેલી થેલી પડી ગઈ હતી. થેલીમાં આશરે 11 તોલા સોનાના દાગીના હતા, જેની કિંમત અંદાજે રૂપિયા 15 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. થેલી ગુમ થયાની જાણ થતાં મહિલાએ સંબંધિત પોલીસ વિભાગનો સંપર્ક કરીને અરજી કરી હતી.
આ રીતે દાગીના પરત મેળવ્યા
મહિલાની અરજીના આધારે નેત્રમ શાખાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં જામનગરના ઓશવાળ સર્કલ નજીક થેલી પડી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ એક રિક્ષાચાલક આ થેલી લઈને જતો હોવાનું પણ CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું. આગળની તપાસમાં નેત્રમ શાખાની ટીમે RTOના ડેટાની મદદથી રિક્ષાની વિગતો મેળવી રિક્ષાચાલકનો મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને થેલી અંગે માહિતી મેળવી સોનાના દાગીના પરત મેળવવામાં આવ્યા હતા.
પરત મેળવાયેલા દાગીનામાં સોનાનો હાર, બે બુટ્ટી અને એક બ્રેસલેટ સહિતના આભૂષણોનો સમાવેશ થાય છે. આમ, ગણતરીના કલાકોમાં મહિલાને તેના કિંમતી દાગીના પરત મળતા રાહત મળી હતી. પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાની ટીમે આ કામગીરી કરી હતી. CCTV ટેક્નોલોજી અને ઝડપી તપાસના સંકલનથી થયેલી આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: Mehsana News: પૂર્વ DyCM નીતિન પટેલ ફરી સક્રિય, 'સોમેશ્વર સેવા તીર્થ' કાર્યાલયનો કર્યો પ્રારંભ, કોંગ્રેસને આપી જાહેર ડિબેટ કરવાની ચેલેન્જ





