Gujarat Governmentનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, સહકારી બેન્કો મારફતે ખેડૂતોને 2 ટકા વ્યાજ રાહત માટે રૂપિયા 174.07 કરોડ મંજૂર


Gujarat Government
Gujarat Governmentનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, સહકારી બેન્કો મારફતે ખેડૂતોને 2 ટકા વ્યાજ રાહત માટે રૂપિયા 174.07 કરોડ મંજૂર


Gujarat Government
Gujarat Government: રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર 2% વ્યાજ સહાય પેટે રૂપિયા 174.07 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
ધિરાણ પર 2% વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને 'ખેડૂતલક્ષી તથા સહકાર-તરફી' અભિગમ માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. ગત તા. 01/04/2025 થી તા. 30/09/2025 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેન્કોએ પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપેલા ધિરાણ પર 2% વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.
વર્ષ 2009-10થી 2% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી
તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ મોટાભાગની સહકારી બેન્કો ખેડૂતોને 10% થી 13%ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી. ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે અને સહકારી ધિરાણ માળખું ટકાઉ બને તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2009-10થી 2% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના પરિણામે આજે રાજ્યના ખેડૂતોને માત્ર 7%ના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. સહકારી બેંકોનું ‘કોસ્ટ ઓફ ફંડ’ સામાન્ય રીતે અન્ય બેન્કો કરતાં વધુ હોય છે. તેમ છતાં, ખેડૂતો પર વ્યાજનો વધારાનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકાર વર્ષ 2009-10થી સતત 2% વ્યાજ રાહત યોજના ચલાવી રહી છે અને બેન્કોના આ તફાવતને વ્યાજ સહાય રૂપે સરભર કરે છે.
રાજ્યમાં 1 રાજ્ય સહકારી બેન્ક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નું ત્રિ-સ્તરીય મજબૂત માળખું કાર્યરત છે. આ સહકારી માળખા દ્વારા રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે. વિશેષરૂપે, રાજ્યના લગભગ 33% નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે, જેમના માટે સરકારનો આ નિર્ણય અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Dwarka News: કેનેડી ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું





