વડનગર શ્રાવણોત્સવમાં ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર, ચાર રવિવારે 53,515 પ્રવાસીઓએ માણ્યો ભક્તિ-સંસ્કૃતિનો સંગમ



Vadnagar Shravanotsav 2026
વડનગર શ્રાવણોત્સવમાં ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર, ચાર રવિવારે 53,515 પ્રવાસીઓએ માણ્યો ભક્તિ-સંસ્કૃતિનો સંગમ



Vadnagar Shravanotsav 2026
Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાર રવિવારે યોજાયેલા આ મહોત્સવમાં કુલ 53,515 પ્રવાસીઓ ઉમટ્યા હતા. ભક્તિ, સંગીત, નૃત્ય અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના અનોખા સંગમ સમાન આ મહોત્સવમાં દર રવિવારે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

ચાર રવિવારે પ્રવાસીઓનો ધસારો
શ્રાવણોત્સવના પ્રથમ રવિવારે એટલે કે 16 ઓગસ્ટે 10,427, 23 ઓગસ્ટે 13,644, 30 ઓગસ્ટે 14,048 અને 6 સપ્ટેમ્બરે 15,396 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આમ, ચારેય રવિવારે કુલ 53,515 પ્રવાસીઓ વડનગર પહોંચ્યા હતા. ખાસ કરીને અંતિમ રવિવારે સૌથી વધુ 15,396 પ્રવાસીઓએ શ્રાવણોત્સવનો આનંદ માણ્યો હતો.

ભક્તિ અને સંસ્કૃતિના કાર્યક્રમોએ મોહ્યા પ્રવાસીઓને
શ્રાવણોત્સવ દરમિયાન ગણેશ વંદના, શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, વૈદિક રુદ્રપાઠ, શિવ કથા, શિવ ભજનો સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત સિતાર-વાંસળીની પ્રસ્તુતિ, શાસ્ત્રીય સંગીત, નૃત્ય, ‘ભૂ શંભુ’ કાર્યક્રમ તેમજ શિવ આરતી જેવા કાર્યક્રમોએ પણ પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું.

હુડો રાસથી લઈને શિવ તાંડવ સુધીની ભવ્ય રજૂઆતો
30 ઓગસ્ટના કાર્યક્રમમાં વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ અને શહેરના ઐતિહાસિક મહત્વને રજૂ કરવામાં આવ્યું હતું. શિવ સ્તુતિ, શિવ તાંડવ અને ઓમકાર નાદ સાથે તરણેતરના મેળાના પરંપરાગત હુડો રાસની રજૂઆત કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરના અંતિમ કાર્યક્રમમાં શિવ તાંડવ સ્તોત્રમ આધારિત પ્રભાવશાળી નૃત્ય રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કલાકારો દ્વારા જીવંત સંગીત સાથે શિવ ભજનોની રજૂઆત કરવામાં આવી હતી.

11 બ્રાહ્મણો અને 14 કલાકારોની ભવ્ય શિવ આરતી
મહોત્સવના અંતિમ ચરણમાં 11 બ્રાહ્મણો અને 14 કલાકારો દ્વારા ભવ્ય શિવ આરતી કરવામાં આવી હતી. શંખનાદ, ઘંટનાદ અને ઢોલના નાદથી સમગ્ર શર્મિષ્ઠા તળાવ પરિસર ભક્તિમય બની ગયું હતું.

લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો બન્યા વિશેષ આકર્ષણ
શર્મિષ્ઠા તળાવ અને કાર્યક્રમ સ્થળ પર કરવામાં આવેલા આકર્ષક લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શોએ પ્રવાસીઓને ખાસ આકર્ષ્યા હતા. લાઇટિંગ અને લેસર શોના કારણે ઐતિહાસિક પરિસરને રાત્રિના સમયે ભવ્ય અને મનમોહક દૃશ્ય મળ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ હજારો પ્રવાસીઓની હાજરી
ચારેય રવિવારે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાયા હતા. 16 ઓગસ્ટે 2,573, 23 ઓગસ્ટે 3,305, 30 ઓગસ્ટે 4,330 અને 6 સપ્ટેમ્બરે 5,266 પ્રવાસીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, ચારેય દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કુલ 15,474 પ્રવાસીઓ જોડાયા હતા.

શ્રાવણોત્સવ સાથે વડનગરની ઐતિહાસિક વિરાસતનો અનુભવ
શ્રાવણોત્સવમાં આવેલા પ્રવાસીઓએ શર્મિષ્ઠા તળાવ ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, તાના-રીરીની સમાધિ તેમજ વડનગરના ઐતિહાસિક અને પુરાતત્વીય મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રવાસન દ્વારા કરવામાં આવેલા લાઇટિંગ, સુશોભન અને સાંસ્કૃતિક આયોજનના કારણે વડનગર શ્રાવણોત્સવ પ્રવાસીઓ માટે ધાર્મિક આસ્થા સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક અનુભવનું કેન્દ્ર બન્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



