Gujarat Education: 50 હજારથી વધુ શાળાઓએ પૂર્ણ કર્યું SQAAF સ્વ-મૂલ્યાંકન, NEP 2020 હેઠળ શાળાઓની ગુણવત્તા ચકાસણીને વેગ



Gujarat Education
Gujarat Education: 50 હજારથી વધુ શાળાઓએ પૂર્ણ કર્યું SQAAF સ્વ-મૂલ્યાંકન, NEP 2020 હેઠળ શાળાઓની ગુણવત્તા ચકાસણીને વેગ



Gujarat Education
Gujarat Education: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણ અનુસાર ગુજરાતમાં શાળા શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બનાવવા માટે અમલીકૃત ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક (G-SQAAF)ને રાજ્યની શાળાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, 50 હજારથી વધુ શાળાઓએ SQAAF ગુણાંકન-2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી છે. આ પ્રક્રિયામાં સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ ઉપરાંત ગુજરાત બોર્ડ, CBSE અને અન્ય બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતે SSSAની સ્થાપના કરી SQAAF અપનાવ્યું હોવાનું કેન્દ્રના શિક્ષણ વિભાગના દસ્તાવેજમાં પણ નોંધાયું છે.
NEP 2020 મુજબ શાળાઓની ગુણવત્તા ચકાસણી
ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27થી G-SQAAF સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું છે. SQAAF ગુણાંકન-2026 અંતર્ગત રાજ્યની શાળાઓનું ગુણવત્તાલક્ષી મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાના ત્રણ મુખ્ય તબક્કા છે—શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન, વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન અને અંતિમ પરિણામોનું જાહેર પ્રદર્શન.
50 હજારથી વધુ શાળાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ
શિક્ષણ વિભાગે સ્વ-મૂલ્યાંકન માટે 17 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2026 સુધીનો સમયગાળો નક્કી કર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યની 50 હજારથી વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી છે. શાળાઓ ઉપરાંત શિક્ષક સંઘો અને સંચાલક મંડળો તરફથી પણ SQAAF પ્રક્રિયાને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA) દ્વારા જણાવાયું છે.
માત્ર પરિણામ નહીં, 360-ડિગ્રી ગુણવત્તા ચકાસણી
SQAAFમાં માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. શાળાના વહીવટ, અભ્યાસક્રમ, સર્વગ્રાહી મૂલ્યાંકન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વસમાવેશક પદ્ધતિઓ અને નેતૃત્વ સહિતના વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે શાળાની સમગ્ર કામગીરીનું 360-ડિગ્રી ગુણવત્તા મૂલ્યાંકન કરવામાં આવશે.
મહત્તમ 33% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન
સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરનારી શાળાઓમાંથી આગામી તબક્કામાં મહત્તમ 33 ટકા જેટલી શાળાઓનું નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. બીજી તરફ, સ્વ-મૂલ્યાંકનના તબક્કામાં ભાગ નહીં લેનારી શાળાઓમાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા સીધું જ બાહ્ય મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.
શાળાનો ગુણવત્તા રિપોર્ટ આંગળીના ટેરવે
SQAAF ગુણાંકન-2026ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ પરિણામો SQAAF પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. પરિણામે સમાજની કોઈપણ વ્યક્તિ રાજ્યની શાળાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ ટેક્નોલોજીના માધ્યમથી સરળતાથી જોઈ શકશે. આ વ્યવસ્થાનો હેતુ શાળા શિક્ષણમાં જવાબદેહિતા (Accountability), પારદર્શિતા (Transparency) અને સ્વાયતતા (Autonomy)ને વધુ મજબૂત બનાવવાનો છે.
શાળા શિક્ષણમાં ગુણવત્તા અને પારદર્શિતાની નવી દિશા
SSSA, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, SQAAF ગુણાંકન-2026 રાજ્યમાં શાળાઓની ગુણવત્તા સુધારવા માટેની મહત્વપૂર્ણ પહેલ બની રહેશે. NEP 2020ની ભલામણોને અનુરૂપ આ પ્રક્રિયા દ્વારા શાળાઓને પોતાની કામગીરીનું સ્વ-મૂલ્યાંકન કરવાની તક મળશે અને બાહ્ય મૂલ્યાંકન દ્વારા ગુણવત્તાના માપદંડોને વધુ મજબૂત બનાવવામાં આવશે.




