Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Floodને યુદ્ધના ધોરણે સહાય: વલસાડ-નવસારીમાં 2.40 લાખ લોકોને રૂ.163.68 કરોડથી વધુ ચૂકવાયા

Gujarat Flood: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને સહાયની કામગીરી કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Sep 2026 08:06 PM IST
Gujarat Floodને યુદ્ધના ધોરણે સહાય: વલસાડ-નવસારીમાં 2.40 લાખ લોકોને રૂ.163.68 કરોડથી વધુ ચૂકવાયાGujarat Floodને યુદ્ધના ધોરણે સહાય: વલસાડ-નવસારીમાં 2.40 લાખ લોકોને રૂ.163.68 કરોડથી વધુ ચૂકવાયા

Gujarat Flood

Gujarat Flood: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને સહાયની કામગીરી કરવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વલસાડ, નવસારી, સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તાત્કાલિક આર્થિક સહાય પહોંચાડવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન 2.40 લાખથી વધુ અસરગ્રસ્તોને રૂ.163.68 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

ગત વર્ષે ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડનું રાહત પેકેજ

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારે વરસાદથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગત વર્ષે ખેડૂતો અને વરસાદથી અસરગ્રસ્તો માટે રૂ.10,000 કરોડનું માતબર રાહત પેકેજ ચૂકવ્યું છે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને SDRFના સામાન્ય ધોરણો કરતાં પણ વધુ એટલે કે બમણી રકમની સહાય ચૂકવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રોકડ સહાય સહિત પરિવારને કુલ રૂ.6,800ની મદદ

પૂરના કારણે જે વ્યક્તિઓ પોતાના વ્યવસાય કે નોકરી પર જઈ શક્યા નથી, તેમને પ્રતિ વ્યક્તિ દૈનિક રૂ.300 લેખે સહાય આપવામાં આવે છે. એક પરિવારના વધુમાં વધુ બે વ્યક્તિઓને ત્રણ દિવસ માટે આ સહાય મળવાપાત્ર છે, એટલે કે કુલ રૂ.1,800ની રોકડ સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ઘરવખરી માટેની સહાય વધારીને રૂ.2,500 કરવામાં આવી છે. કપડાં વગેરે માટે પરિવાર દીઠ વધુ રૂ.2,500ની સહાય મળતા અસરગ્રસ્ત પરિવારને કુલ રૂ.6,800 સુધીની સહાય આપવામાં આવે છે.

વલસાડ-નવસારીમાં 2.40 લાખથી વધુ લોકોને સહાય

સરકારના જણાવ્યા અનુસાર, 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ તથા પૂરથી અસરગ્રસ્ત કુલ 2,40,062 લોકોને ખેતી, ઘરવખરી, મકાન, મૃત્યુ અને ઈજા સહિતના વિવિધ નુકસાન પેટે સહાય ચૂકવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 88,368 અસરગ્રસ્તોને રૂ.73,56,71,335 જ્યારે નવસારી જિલ્લામાં 1,51,694 અસરગ્રસ્તોને રૂ.68,75,50,358ની સહાય ચૂકવાઈ છે.

પાણી ઉતર્યા બાદ માત્ર 18 કલાકમાં સહાય શરૂ

સરકારે જણાવ્યું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં બે-બે IAS અધિકારીઓ સાથે 25 સભ્યોની ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. પૂરનું પાણી ઉતર્યા બાદ માત્ર 18 કલાકમાં જ ગામડે-ગામડે જઈને અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

પશુધનના નુકસાનનું પણ વળતર

પૂર અને ભારે વરસાદને કારણે થયેલા પશુધનના નુકસાન માટે પણ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું છે. રાહત કામગીરી ઝડપી બને તે માટે કલેક્ટરોને સીધું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેથી વહીવટી પ્રક્રિયામાં વિલંબ ન થાય અને અસરગ્રસ્તોને ઝડપથી સહાય મળી શકે.

જરૂર પડશે તો સહાયમાં વધુ વધારો કરવાની તૈયારી

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા સમયાંતરે સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં જરૂર જણાય તો તેમાં હજુ વધારો કરવાની પણ સરકારની તૈયારી છે. રાજ્ય સરકાર પૂરપીડિતોની પડખે છે અને કોઈપણ અસરગ્રસ્ત વ્યક્તિ સહાયથી વંચિત ન રહે તે માટે રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Vande Mataram Controversy: ઇમરાન ખેડાવાલા સામે કાર્યવાહીની માંગ, અનિલ પટેલે કહ્યું- આ વ્યક્તિગત નહીં, દેશ અને બંધારણનો મામલો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.