Gujarat Police : ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાતનો ડંકો, 50.75% રિકવરી રેટ સાથે દેશના મોટા રાજ્યોમાં બીજો ક્રમે

Gujarat Police : ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધી કાઢવા અને મૂળ માલિકોને પરત અપાવવાની કામગીરીમાં ગુજરાત પોલીસે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 28 Oct 2026 12:03 PM IST
Gujarat Police : ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાતનો ડંકો, 50.75% રિકવરી રેટ સાથે દેશના મોટા રાજ્યોમાં બીજો ક્રમેGujarat Police : ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાતનો ડંકો, 50.75% રિકવરી રેટ સાથે દેશના મોટા રાજ્યોમાં બીજો ક્રમે

Gujarat Ranks Second in Mobile Recovery

Gujarat Police : સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલના અસરકારક અમલીકરણને કારણે ગુજરાતે 50.75 ટકાના રિકવરી રેટ સાથે દેશના મોટા રાજ્યોમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ ગુજરાત પોલીસ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)ના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

26 ઓક્ટોબર 2026 સુધીના ઉપલબ્ધ આંકડા મુજબ, ગુજરાતમાં કુલ 2,38,533 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. તેમાંથી 1,47,427 મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા છે, જ્યારે 74,823 મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર 37.4 ટકા નોંધાયો છે. તેની સરખામણીએ ગુજરાતનો રિકવરી દર 50.75 ટકા રહ્યો છે. ઓક્ટોબર 2025માં રાજ્યનો રિકવરી દર 41 ટકા હતો, જે એક વર્ષમાં 9.75 ટકાવારી પોઈન્ટ વધ્યો છે.

આણંદ પ્રથમ, ડાંગ બીજા અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિના એટલે કે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન CEIR પોર્ટલના અમલીકરણમાં આણંદ જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આણંદ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જયમીન ડોડિયાને પ્રથમ ક્રમ, ડાંગ જિલ્લાના એલસીબીના પીએસઆઈ જે.જી. અનડકટને દ્વિતીય ક્રમ અને અમદાવાદ શહેરના એએસઆઈ ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ જયંતીલાલને તૃતીય ક્રમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલા વિશેષ સમારોહમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને શીલ્ડ અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ તેમજ DoT ગુજરાત LSAના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગિરીશ કટારિયા ઉપસ્થિત રહ્યા હતા.

CEIR પોર્ટલથી નાગરિકોને મદદ મળી

CEIR પોર્ટલ ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા અને ટ્રેસ કરવામાં મદદરૂપ બને છે. ગુજરાત પોલીસ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ વચ્ચેના સંકલનથી મોબાઈલના દુરુપયોગને રોકવા તથા નાગરિકોને તેમના ફોન પરત અપાવવાની કામગીરીને વેગ મળ્યો છે. ટેકનોલોજી આધારિત પોલીસિંગ અને વિવિધ જિલ્લાઓની સક્રિય કામગીરીથી ગુજરાતે મોબાઈલ રિકવરી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ પહેલ નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ બની રહી છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : જિયો પ્લેટફોર્મ્સનું ₹1358 પર લિસ્ટિંગ, ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21%નો ઉછાળો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે