Gujarat GST Amendment Bill: ગુજરાત GST કાયદામાં મોટો સુધારો: વિધાનસભામાં સુધારા વિધેયક પસાર, વેપારીઓને મળશે ઝડપી રિફંડ



Gujarat GST Amendment Bill
Gujarat GST Amendment Bill: ગુજરાત GST કાયદામાં મોટો સુધારો: વિધાનસભામાં સુધારા વિધેયક પસાર, વેપારીઓને મળશે ઝડપી રિફંડ



Gujarat GST Amendment Bill
Gujarat GST Amendment Bill: ગુજરાતના GST કાયદામાં મહત્વપૂર્ણ સુધારા માટેનું વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે કેન્દ્ર સરકારના સુધારાઓ સાથે સુસંગતતા જાળવી આ સુધારા વિધેયક રજૂ કર્યું હતું.
સુધારા બાદ નાના વેપારીઓ માટે GST નોંધણી અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. ફેસલેસ સિસ્ટમ દ્વારા માત્ર ત્રણ દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળવાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે નિકાસના કિસ્સામાં સાત દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે GST કાયદાના સરળીકરણના પરિણામે ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ દરમિયાન 99.6 ટકા રિટર્ન સમયસર ભરાયા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી સમયસર GST રિટર્ન ભરવામાં દેશમાં પ્રથમ ક્રમે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વેચાણ બાદના ડિસ્કાઉન્ટની પ્રક્રિયા સરળ બનશે
સુધારા વિધેયકમાં વેચાણ બાદ આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અંગેની જોગવાઈઓને વધુ સરળ બનાવવામાં આવી છે. ક્રેડિટ નોટ અને ખરીદદાર દ્વારા વેરા શાખા રિવર્સ કરવાની પ્રક્રિયા દ્વારા વેચનારને વેરાકીય જવાબદારીમાં ઘટાડાનો લાભ મળી શકશે.
ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં 7 દિવસમાં 90% રિફંડ
ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને કારણે ઊભા થતા રિફંડના કેસમાં અરજીના 7 દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ આપવાની જોગવાઈ કરવામાં આવશે. આ પગલાથી ઉદ્યોગકારોનું વર્કિંગ કેપિટલ મજબૂત બનશે.
નિકાસના રિફંડમાં ₹1,000ની મર્યાદા દૂર
વેરાની ચુકવણી સાથે નિકાસ કરવામાં આવેલા માલના રિફંડ માટે હાલમાં રહેલી ₹1,000ની મર્યાદા દૂર કરવામાં આવશે. જેના કારણે ₹1,000થી ઓછી રકમના પાત્ર રિફંડના દાવાઓ પણ મેળવી શકાશે. નાણામંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓથી GSTનું અમલીકરણ વધુ અસરકારક અને પારદર્શક બનશે તેમજ રાજ્યના વેપાર, ઉદ્યોગ અને વિકાસને નવી ગતિ મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



