Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Farmer Welfare Bills 2026: જમીન હકની પ્રક્રિયા ઝડપી બનશે, ગુણવત્તાયુક્ત પશુઆહારથી પશુપાલકોને લાભઃ હિરેન હિરપરા

Gujarat Farmer Welfare Bills 2026: ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચારા અને ખનિજ મિશ્રણ વિધેયક-2026’ તથા ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક-2026’ને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાતે આવકારી...
R Gajjar
R GajjarUpdated on: 11 Sep 2026 04:40 PM IST
Gujarat Farmer Welfare Bills 2026: જમીન હકની પ્રક્રિયા ઝડપી બનશે, ગુણવત્તાયુક્ત પશુઆહારથી પશુપાલકોને લાભઃ હિરેન હિરપરાGujarat Farmer Welfare Bills 2026: જમીન હકની પ્રક્રિયા ઝડપી બનશે, ગુણવત્તાયુક્ત પશુઆહારથી પશુપાલકોને લાભઃ હિરેન હિરપરા

Gujarat Farmer Welfare Bills 2026

Gujarat Farmer Welfare Bills 2026: ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચારા અને ખનિજ મિશ્રણ વિધેયક-2026’ તથા ‘ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક-2026’ને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાતે આવકારી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

કિસાન મોરચાના જણાવ્યા મુજબ, પશુઆહાર સંબંધિત વિધેયકથી પશુઆહારની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, પશુઓના આરોગ્યનું રક્ષણ કરવા અને પશુપાલકોને ગુણવત્તાયુક્ત આહાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી નિયમન કરવામાં આવશે.

બીજી તરફ, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયકમાં સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ હોય, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય તો તે જ દિવસે ફેરફાર નોંધ પાડીને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલના આદેશના આધારે થતી નોંધ પણ હુકમ મળ્યા બાદ તાત્કાલિક નોંધવા અને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ પગલું

કિસાન મોરચા ગુજરાતના શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું કે, પશુપાલકો માટે પશુધન તેમની આજીવિકાનો મહત્વપૂર્ણ આધાર છે. પશુઓને ગુણવત્તાયુક્ત આહાર મળે, તેમનું આરોગ્ય સુરક્ષિત રહે અને પશુપાલકોના હિતનું રક્ષણ થાય તે દિશામાં પશુઆહાર અંગેનું વિધેયક મહત્વપૂર્ણ પગલું છે.

ખેડૂતો માટે જમીન હકની પ્રક્રિયા સરળ બનશે

હિરેન હિરપરાએ જણાવ્યું કે, જમીન ખેડૂત માટે માત્ર સંપત્તિ નહીં પરંતુ તેના જીવન અને ભવિષ્યનો આધાર છે. સાચા અને વિવાદરહિત જમીન વ્યવહારમાં નોંધ પ્રમાણિત કરવાની પ્રક્રિયા ઝડપી બનવાથી ખેડૂતો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓનો સમય બચશે અને લાંબી વહીવટી પ્રક્રિયામાંથી રાહત મળશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારના બંને નિર્ણયો ખેડૂત અને પશુપાલકોના હિતને વધુ મજબૂત બનાવશે. પ્રક્રિયામાં ઝડપ અને સરળતા આવે તેમજ લાભાર્થીને સમયસર તેનો હક મળે તે દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો છે.

કિસાન મોરચાએ આ બંને વિધેયકો માટે મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ખેડૂત અને પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]