Get News Alerts

Never miss breaking news updates.

Gujarat Assemblyમાં BHISHM Cube-R300નું નિદર્શન: માત્ર 12 મિનિટમાં તૈયાર થતી પોર્ટેબલ હોસ્પિટલ, એકસાથે 300 ઈજાગ્રસ્તોની સારવાર શક્ય

Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Sep 2026 06:28 PM IST
Gujarat Assemblyમાં BHISHM Cube-R300નું નિદર્શન: માત્ર 12 મિનિટમાં તૈયાર થતી પોર્ટેબલ હોસ્પિટલ, એકસાથે 300 ઈજાગ્રસ્તોની સારવાર શક્યGujarat Assemblyમાં BHISHM Cube-R300નું નિદર્શન: માત્ર 12 મિનિટમાં તૈયાર થતી પોર્ટેબલ હોસ્પિટલ, એકસાથે 300 ઈજાગ્રસ્તોની સારવાર શક્ય

Gujarat Assembly

Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)ના માર્ગદર્શન હેઠળની ‘આરોગ્ય મૈત્રી’ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલી આ મોબાઈલ હોસ્પિટલ આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળ પર જ તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે અને BHISHM Cubeના ઉદ્ઘાટન બાદ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાવાનો છે.

આપત્તિના સમયે થોડી જ મિનિટોમાં મોબાઈલ હોસ્પિટલ તૈયાર

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે BHISHM Cube-R300 અત્યંત જટિલ કે આપાતકાલીન પરિસ્થિતિઓમાં થોડી જ મિનિટોમાં તૈનાત કરી શકાય તેવી પોર્ટેબલ ઈમરજન્સી હોસ્પિટલ છે. ઘટનાસ્થળે જ ટ્રોમા સારવાર, તાત્કાલિક શસ્ત્રક્રિયા, રોગ નિદાન સહિતની જીવનરક્ષક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ સિસ્ટમનો હેતુ છે.

12 મિનિટથી ઓછા સમયમાં સેટઅપ, 300 દર્દીઓને સારવાર

BHISHM Cube-R300ને કુલ 72 મોડ્યુલર મિની-ક્યુબ્સમાં પેક કરી શકાય છે. દરેક ક્યુબનું વજન 20 કિલોગ્રામથી ઓછું છે. સમગ્ર યુનિટને 12 મિનિટથી પણ ઓછા સમયમાં સ્થાપિત કરી શકાય છે અને એકસાથે આશરે 300 ઈજાગ્રસ્તોને ઇમરજન્સી સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે. જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે તેના પરિવહનની ક્ષમતા છે, જ્યારે જરૂરિયાત મુજબ દુર્ગમ વિસ્તારોમાં તેને એરડ્રોપ પણ કરી શકાય છે.

મિની લેબથી સર્જરી સુધીની સુવિધા

આ પોર્ટેબલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, મલ્ટી-પેરામીટર મોનિટર, મિની લેબ અને સર્જિકલ સાધનો સહિત આશરે 400 જેટલી તબીબી સામગ્રી ઉપલબ્ધ છે. ઘટનાસ્થળે જ ‘ડેમેજ કંટ્રોલ સર્જરી’ કરી શકાય તેવું સ્ટેશન, સ્વયંની વીજ ઉત્પાદન ક્ષમતા અને ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થા હોવાથી સિસ્ટમને આત્મનિર્ભર બનાવવામાં આવી છે.

ગુજરાત માટે કુદરતી આપત્તિઓ સામે ઉપયોગી

ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો, ઔદ્યોગિક વિસ્તારો અને વાવાઝોડા, પૂર તથા ભૂકંપ જેવી સંભવિત આપત્તિઓને ધ્યાનમાં લેતા આવી મોબાઈલ હોસ્પિટલ રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરી શકે છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, ભારત સરકારે માનવતાવાદી સંકટ અને કુદરતી આપત્તિઓમાં સહાય માટે યુક્રેન, માલદીવ્સ, જમૈકા, વેનેઝુએલા અને શ્રીલંકા જેવા દેશોમાં પણ આવા ક્યુબ મોકલ્યા છે.

મંત્રીમંડળ અને ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ BHISHM Cube-R300 અંગેની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (શહેરી) ડૉ. સંધ્યા ભુલ્લર, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ, GSDMA અને SDRFના અધિકારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ બે દિવસીય પ્રદર્શનનો હેતુ નાગરિકોને આપત્તિના સમયે ઉપલબ્ધ ઇમરજન્સી આરોગ્ય સેવા, ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ ટેકનોલોજી અને આધુનિક લોજિસ્ટિક્સ અંગે માહિતગાર કરવાનો પણ છે.

આ પણ વાંચો : Gujarat Tourism ક્ષેત્રમાં હોમસ્ટે બનશે મહત્વપૂર્ણ એસેટ, સ્થાનિક સંસ્કૃતિ સાથે રોજગારી અને આતિથ્યને મળશે વેગ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.