Seva Sankalp Abhiyan : 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ભાજપની સેવા સંકલ્પ બાઈક યાત્રા, 1,000 યુવાનો જોડાશે


Seva Sankalp Abhiyan
Seva Sankalp Abhiyan : 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ભાજપની સેવા સંકલ્પ બાઈક યાત્રા, 1,000 યુવાનો જોડાશે


Seva Sankalp Abhiyan
Seva Sankalp Abhiyan : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા દેશવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' યોજવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 'વડનગરથી વારાણસી' અને 'વારાણસીથી વડનગર' સેવા સંકલ્પ બાઈક યાત્રા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ભાજપના અનેક નેતા હાજર રહેશે
ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અને લોકસભા સાંસદ વી.ડી. શર્માએ જણાવ્યું કે, વડનગર અને વારાણસી—વડાપ્રધાન મોદીની જન્મભૂમિ અને કર્મભૂમિ—બંને સ્થળેથી 17 સપ્ટેમ્બરે સવારે 9:30 કલાકે એકસાથે યાત્રાનો પ્રારંભ થશે. વડનગર ખાતેના પ્રસ્થાન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહેશે. જ્યારે વારાણસીના કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
1,159 ગામમાંથી બાઈક યાત્રા પસાર થશે
આ બાઈક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને આશરે 1,159 ગામોમાંથી પસાર થશે અને લગભગ 40,000 કિલોમીટરનું અંતર કાપશે. દેશભરમાં બંને દિશાની યાત્રામાં આશરે 1,000 યુવાનો જોડાશે. યાત્રાનું સમાપન 7 ઓક્ટોબરે થશે. યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને જળસંરક્ષણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે. સાથે જ સફાઈ કર્મચારીઓનું સન્માન અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે.
યુવાનોને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો સંકલ્પ
ગુજરાતમાં યાત્રા પહેલા સોમનાથ, શામળાજી, પાવાગઢ અને ઉનાઈ માતાજીના મંદિરથી ચાર ઝોનની ઉપયાત્રાઓ શરૂ થઈ છે. આ ઉપયાત્રાઓ 16 સપ્ટેમ્બર સુધીમાં વડનગર પહોંચશે. માર્ગમાં વિવિધ ગામોમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા, ચોપડા વિતરણ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાજપના જણાવ્યા મુજબ, આ યાત્રાનો હેતુ માત્ર વડનગરથી વારાણસી સુધી પહોંચવાનો નથી, પરંતુ વડાપ્રધાન મોદીના 25 વર્ષના જાહેરજીવનમાંથી પ્રેરણા લઈને યુવાનોને સેવા, સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો સંકલ્પ છે.





