ભાવનગરમાં ગેરકાયદે ઇલેક્ટ્રિક શોકની ચપેટમાં સિંહણનું મોત, વન વિભાગની કામગીરી સામે સવાલો



Lioness Death in Bhavnagar
ભાવનગરમાં ગેરકાયદે ઇલેક્ટ્રિક શોકની ચપેટમાં સિંહણનું મોત, વન વિભાગની કામગીરી સામે સવાલો



Lioness Death in Bhavnagar
Lioness Death in Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. મહુવાના બોરડી ગામની વાડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં એક સિંહણનું મોત થયું છે. મકાઈના પાકને રક્ષણ આપવા માટે ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ મૂકવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

મકાઈના પાકને બચાવવા ગેરકાયદે વીજ પ્રવાહ મૂક્યો હોવાનો આક્ષેપ
બોરડી ગામના વાડી વિસ્તારમાં મકાઈનો પાક આવેલો છે. પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક શોકની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી છે. આ દરમિયાન સિંહણ વીજ પ્રવાહની ચપેટમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તાર વન્ય પ્રાણીઓની અવરજવર માટે જાણીતો છે. આવી જગ્યાએ ગેરકાયદે વીજ પ્રવાહ મૂકવામાં આવતાં હવે વન્યજીવોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના અધિકારીઓ દોડી આવ્યા
ઘટનાની જાણ થતાં જ પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વાઇલ્ડ લાઇફ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહણના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચવાની છે. ત્યારબાદ સિંહણના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ગેબર સેન્ટર ખાતે લઈ જવામાં આવશે.

વન્યજીવોની અવરજવર વચ્ચે ગેરકાયદે વીજ પ્રવાહ કેમ?
આ ઘટનાએ સૌથી મોટો સવાલ એ ઊભો કર્યો છે કે જ્યાં સતત વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે, ત્યાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક શોકની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી? વન્યજીવોને પાકથી દૂર રાખવા માટે ખેડૂતો દ્વારા આવા જોખમી ઉપાયો કરવામાં આવે તો તે પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બોરડી ગામની આ ઘટનામાં પણ એક સિંહણનો ભોગ લેવાયો છે.
સિંહણના મોત બાદ જવાબદારી કોની?
સિંહણના મોત બાદ સ્થાનિક સ્તરે વન વિભાગની કામગીરી અને પેટ્રોલિંગને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. વન્ય પ્રાણીઓની અવરજવર ધરાવતા વિસ્તારોમાં ગેરકાયદે વીજ પ્રવાહ જેવી જીવલેણ વ્યવસ્થા અટકાવવા માટે તંત્ર દ્વારા કેટલી દેખરેખ રાખવામાં આવી રહી હતી તે તપાસનો વિષય બન્યો છે. હાલ સમગ્ર મામલે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એફએસએલ અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ સિંહણના મોત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. ગેરકાયદે ઇલેક્ટ્રિક શોક મૂકનાર સામે શું કાર્યવાહી થાય છે તેના પર પણ હવે નજર રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



