Vande Bharat: મુસાફરોની વર્ષો જૂની માગ પૂરી, રેલવે કનેક્ટિવિટીને મળશે નવી ગતિ



Vande Bharat
Vande Bharat: મુસાફરોની વર્ષો જૂની માગ પૂરી, રેલવે કનેક્ટિવિટીને મળશે નવી ગતિ



Vande Bharat
Vande Bharat: ભરૂચ જિલ્લાના રેલવે મુસાફરો માટે મોટી ખુશખબર સામે આવી છે. ભરૂચ રેલવે સ્ટેશનને સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી ભરૂચ ખાતે વંદે ભારતનું સ્ટોપેજ આપવાની ચાલી રહેલી માગને હવે મંજૂરી મળતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી ભરૂચ સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી અને આધુનિક રેલવે કનેક્ટિવિટીનો લાભ મળવાની આશા છે.
ભરૂચને મળી વંદે ભારતની મોટી ભેટ
ભરૂચ રેલવે સ્ટેશનને સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતાં હવે જિલ્લાના મુસાફરો માટે ઝડપી મુસાફરીનો માર્ગ વધુ સરળ બનશે. ખાસ કરીને સુરત, ઉદયપુર સહિતના મહત્વપૂર્ણ શહેરો સાથેની કનેક્ટિવિટી વધુ સુગમ બનવાની શક્યતા છે.
એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી રજૂઆત
ભરૂચ ખાતે વંદે ભારતનું સ્ટોપેજ મળે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. માહિતી અનુસાર, 30 મે, 2025ના રોજ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત તેમજ રૂબરૂ રજૂઆત કરી ભરૂચને વંદે ભારતનું સ્ટોપેજ આપવા માગ કરી હતી.
રજૂઆત રંગ લાવતાં PM અને રેલવે મંત્રીનો આભાર
આ રજૂઆતના આશરે એક વર્ષ બાદ ભરૂચને વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે. નિર્ણય બાદ પ્રકાશ મોદીએ ભરૂચની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો છે.
ઉદ્યોગ અને વેપારને પણ મળશે ફાયદો
ભરૂચ ગુજરાતના મહત્વના ઔદ્યોગિક જિલ્લાઓમાં સામેલ છે. વંદે ભારતનું સ્ટોપેજ મળવાથી ઉદ્યોગકારો, રોકાણકારો, વેપારીઓ તેમજ દૈનિક મુસાફરો માટે આવાગમન વધુ ઝડપી અને સરળ બનવાની અપેક્ષા છે. ઝડપી રેલવે કનેક્ટિવિટીથી ભરૂચના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પણ વેગ મળી શકે છે.
રોકાણ અને વિકાસની નવી તકો
વધુ સારી રેલવે સુવિધા ઉપલબ્ધ થતાં ભરૂચમાં વેપાર-ઉદ્યોગ સાથે જોડાયેલી અવરજવર વધવાની શક્યતા છે. પરિણામે નવા રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે. વંદે ભારતનું સ્ટોપેજ ભરૂચના વિકાસ માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા સાબિત થઈ શકે છે.




