Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જળસંચયથી ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બન્યો

Gujarat Gaurav Sarovar: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં...
R Gajjar
R GajjarUpdated on: 27 Aug 2026 05:21 PM IST
અમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જળસંચયથી ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બન્યોઅમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જળસંચયથી ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બન્યો

Gujarat Gaurav Sarovar

Gujarat Gaurav Sarovar: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જળસંચયના કાર્યની અમિત શાહે કરી પ્રશંસા

લોકાર્પણ પ્રસંગે અમિત શાહે ધોળકિયા ફાઉન્ડેશનના જળસંચય ક્ષેત્રે કરાયેલા કામની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નદીઓને પુનર્જીવિત કરવા અને તળાવો ઊંડા કરવાના પ્રયાસોથી સમગ્ર વિસ્તારના લોકોના જીવનમાં મોટો બદલાવ આવી રહ્યો છે. અમિત શાહે વરસાદી પાણીના સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે જનભાગીદારીથી વધુને વધુ કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

‘ગુજરાતમાં દુષ્કાળ હવે ભૂતકાળ બન્યો’

અમિત શાહે ગુજરાતમાં જળસંચય માટે થયેલા વિવિધ પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને આયોજનના પરિણામે રાજ્યમાં પાણીની સમસ્યાનો સામનો કરવા માટે અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પો અમલમાં આવ્યા છે. તેમણે સૌની યોજના, નર્મદા યોજના, ચેકડેમો અને તળાવો જેવા પ્રકલ્પોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વરસાદના વધારાના પાણીને સંગ્રહિત કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.

‘ગુજરાત ગૌરવ સરોવર’નું કદ પણ વિશાળ

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ સરોવરનું નિર્માણ અંદાજિત રૂ. 4 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ સરોવરની લંબાઈ લગભગ 360 મીટર, પહોળાઈ 260 મીટર અને ઊંડાઈ 4 મીટર હોવાનું જણાવાયું છે. સરોવરનું નિર્માણ થતાં વરસાદી પાણીના સંગ્રહ સાથે આસપાસના વિસ્તારમાં ખેતી અને ભૂગર્ભ જળસ્તરને પણ તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

208 સરોવરોના નિર્માણની કામગીરીને બિરદાવી

અમિત શાહે જળસંચય માટે સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા પરિવાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિ દ્વારા પોતાના જીવનકાળમાં 208 સરોવરોનું નિર્માણ કરાવવું અસાધારણ અને પ્રેરણાદાયી કામગીરી છે. તેમણે જળસંચય સાથે સમાજસેવા અને લોકકલ્યાણ માટે ધોળકિયા પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.

‘સુકાયેલી નદીઓને પુનર્જીવિત કરવી આવનારી પેઢી માટે ભેટ’

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધોળકિયા ફાઉન્ડેશનના પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની વર્ષો જૂની અને સમય જતાં સુકાઈ ગયેલી નદીઓને ફરી જીવંત બનાવવાનું કામ ભવિષ્યની પેઢીઓ માટે મહત્વપૂર્ણ ભેટ સમાન છે. તેમણે જણાવ્યું હતું કે ધોળકિયા પરિવાર અને ફાઉન્ડેશન દ્વારા કપરા પરિસ્થિતિમાં પણ જળસંચય માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને તેના પરિણામે વિસ્તારમાં સરોવરોનું નિર્માણ તથા નદીઓના પુનર્જીવનનું કામ આગળ વધી રહ્યું છે.

ગામડાઓમાં શિક્ષણ અને પર્યાવરણ માટે પણ કામગીરી

હર્ષ સંઘવીએ અમિત શાહની જળસંચય ઉપરાંત પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રેની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ, ગામડાઓમાં લાઈબ્રેરીઓ ઊભી કરવા અને બાળકોને શિક્ષણની વધુ સારી તકો મળે તે માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ગામડાઓ સુધી પાણી બચાવવાનો સંદેશ પહોંચાડવો અને સ્થાનિક સ્તરે જળસંચયની કામગીરીને પ્રોત્સાહન આપવું પણ મહત્વનું છે.

અમરેલીના ખેડૂતોને મળશે સીધો લાભ

‘ગુજરાત ગૌરવ સરોવર’ના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો સંગ્રહ વધશે. તેની સાથે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા અને ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની આશા છે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, સાંસદ ભરત સુતરિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]