Get News Alerts

Never miss breaking news updates.

Salangpur માં ભક્તિનો ભવ્ય મહોત્સવ, કષ્ટભંજનદેવને ધરાવાયો 1008 વાનગીઓનો અન્નકૂટ

Salangpur : પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દરબારમાં ભવ્ય મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 05 Sep 2026 11:44 AM IST
Salangpur માં ભક્તિનો ભવ્ય મહોત્સવ, કષ્ટભંજનદેવને ધરાવાયો 1008 વાનગીઓનો અન્નકૂટSalangpur માં ભક્તિનો ભવ્ય મહોત્સવ, કષ્ટભંજનદેવને ધરાવાયો 1008 વાનગીઓનો અન્નકૂટ

Salangpur

Salangpur : દાદાને 1008 પ્રકારની મીઠાઈઓ અને વિવિધ વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી દાદાને વિવિધ દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવી શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

કષ્ટભંજનદેવના દરબારમાં અન્નકૂટ મહોત્સવ

શ્રાવણ માસના અંતિમ શનિવારે એટલે કે 5 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ, ગળામાં હાર તથા સોનાના મણકાવાળા દાગીનાથી શણગારવામાં આવ્યા હતા. શ્રીરામના પરમ ભક્ત એવા કષ્ટભંજનદેવને ‘રામ નામ’ અંકિત કરેલા પીળા, વાદળી અને લાલ રંગની કિનારીવાળા સુંદર દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના ગર્ભગૃહ અને સિંહાસનને સફેદ ફૂલોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યા હતા.

મંદિર પરિસરની બંને બાજુ ફૂલો અને હરિયાળીથી તૈયાર કરવામાં આવેલી બે ભવ્ય મોરની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી હતી, જેના કારણે સમગ્ર શણગારની શોભામાં વધારો થયો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

સાળંગપુરધામમાં આસ્થાનો મહાસાગર

દાદાના દરબારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, બેકરી આઇટમ, વિવિધ શાકભાજીની વાનગીઓ તેમજ ઇટાલિયન વાનગીઓ સહિત કુલ 1008 પ્રકારની અવનવી વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે 11:15 કલાકે મહાઅન્નકૂટ આરતી કરવામાં આવી હતી. આ ભવ્ય મહાઅન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુરધામ ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના દિવ્ય દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

શ્રાવણ માસ દરમિયાન સાળંગપુરધામ ખાતે દર શનિવારે અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારુતિ યજ્ઞ, દર સોમવારે દાદાનો શિવસ્વરૂપ શણગાર તેમજ રવિવારે રાજોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શ્રાવણના અંતિમ શનિવારે યોજાયેલા 1008 વાનગીઓના મહાઅન્નકૂટથી સાળંગપુરધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું.

આ પણ વાંચો : Surat : વરાછામાં જન્માષ્ટમીના દિવસે જુગાર રમવું પડ્યું ભારે, 30 જુગારી પોલીસના હાથે ઝડપાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.