Govardhan Puja 2026: 9 કે 10 નવેમ્બરે, ક્યારે થશે ગોવર્ધન પૂજા? જાણો તિથિ અને પૂજાનો શુભ સમય

Govardhan Puja 2026: ગોવર્ધન પૂજા 10 નવેમ્બર 2026ના રોજ ઉજવાશે. જાણો પ્રતિપદા તિથિ, અમદાવાદમાં પૂજાનો શુભ સમય, અન્નકૂટનું મહત્ત્વ અને પૂજાની કરવાની રીત.
Nancy Shukla
Govardhan Puja 2026: ગોવર્ધન પૂજા ક્યારે થશે?Govardhan Puja 2026: ગોવર્ધન પૂજા ક્યારે થશે?

Govardhan Puja 2026: ગોવર્ધન પૂજા ક્યારે થશે?

Govardhan Puja 2026: હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ પર્વ દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા કરવાની પરંપરા છે. પરંતુ તિથિના સમય અને ઉદયા તિથિના નિયમને કારણે ક્યારેક દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે એક દિવસનો ગાળો પણ રહે છે.

વર્ષ 2026માં ગોવર્ધન પૂજા 9 નવેમ્બરે કે 10 નવેમ્બરે, તેને લઈને મૂંઝવણ છે. પંચાંગ મુજબ કારતક સુદ એકમની તિથિ 9 નવેમ્બરે બપોરે 12:31 વાગ્યે શરૂ થશે અને 10 નવેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિના આધારે ગોવર્ધન પૂજા 10 નવેમ્બર, મંગળવારે કરવામાં આવશે.

ગોવર્ધન પૂજા 2026ની તારીખ અને શુભ મુહૂર્ત

ગોવર્ધન પૂજાની તારીખ - 10 નવેમ્બર 2026, મંગળવાર

પ્રતિપદા તિથિ શરૂ - 9 નવેમ્બર, બપોરે 12:31 વાગ્યે

પ્રતિપદા તિથિ પૂર્ણ - 10 નવેમ્બર, બપોરે 2 વાગ્યે

અમદાવાદમાં સવારે પૂજાનો શુભ સમય - સવારે 6:49થી 9:03 વાગ્યા સુધી

મુહૂર્તનો સમયગાળો - આશરે 2 કલાક 14 મિનિટ

તમને જણાવી દઈએ કે પૂજાના મુહૂર્તનો સમય શહેર પ્રમાણે બદલાઈ શકે છે. તેથી પોતાના શહેરના પંચાંગ મુજબ સમયની ખાતરી કરવી.

શા માટે ઉજવવામાં આવે છે ગોવર્ધન પૂજા?

પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે બ્રિજવાસીઓને દેવરાજ ઈન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધન પર્વત અને પ્રકૃતિની પૂજા કરવાનો સંદેશ આપ્યો હતો. શ્રીકૃષ્ણે સમજાવ્યું હતું કે ગોવર્ધન પર્વત બ્રિજના લોકો અને તેમનાં પશુઓને ભોજન, ઘાસચારો તથા જીવન માટે જરૂરી સંસાધનો પૂરા પાડે છે.

આ વાતથી દેવરાજ ઈન્દ્ર નારાજ થયા અને તેમને બ્રિજમાં ભારે વરસાદ વરસાવ્યો. સતત વરસાદથી લોકોને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો હતો. 7 દિવસ સુધી બ્રિજવાસીઓ અને તેમનાં પશુઓ પર્વતની નીચે સુરક્ષિત રહ્યા હતા. અંતે ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ અને તેમને શ્રીકૃષ્ણની માફી માગી હતી.

આ પૌરાણિક પ્રસંગની યાદમાં ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.

ગોવર્ધન પૂજાને અન્નકૂટ કેમ કહેવામાં આવે છે?

ગોવર્ધન પૂજાને અન્નકૂટ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્નકૂટનો અર્થ અનાજ અને વિવિધ વાનગીઓનો સમૂહ થાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને અનેક પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે.

પરંપરા મુજબ ઘઉં, ચોખા, દાળ, ચણાના લોટની કઢી અને મોસમી શાકભાજીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. અનેક મંદિરોમાં અન્નકૂટનું આયોજન થાય છે અને ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણને અન્નકૂટનો ભોગ ધરાવવાથી ઘરમાં અન્ન અને ધનની સમૃદ્ધિ જળવાઈ રહે છે તથા પરિવાર પર તેમની કૃપા બની રહે છે.

ગોવર્ધન પૂજાના દિવસે કેવી રીતે કરવી પૂજા?

ગોવર્ધન પૂજાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યારબાદ ઘરના આંગણામાં અથવા પૂજાસ્થળે ગાયના છાણથી ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ બનાવવી. તેને ફૂલ, રોળી, અક્ષત અને દીવાથી શણગારવી.

ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને ગોવર્ધન પર્વતની પૂજા કરવી અને અન્નકૂટ, ફળ, મીઠાઈ તથા વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવો. આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પણ પરંપરા છે.

ઘણી જગ્યાએ ગાયની પૂજા પણ કરવામાં આવે છે. ગાયને તિલક કરીને ફૂલોથી શણગારવામાં આવે છે અને ગોળ તથા લીલો ચારો ખવડાવવામાં આવે છે. અંતે પરિવારના સભ્યો ભગવાન શ્રીકૃષ્ણને સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીની પ્રાર્થના કરે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે, ગ્રોથ નાઉ ન્યુઝ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Dhanteras 2026: ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગ, મેષ સહિત આ 3 રાશિઓને થશે લાભ!