Ganesh Chaturthi Moon Sighting: ગણેશ ચતુર્થીએ ચંદ્રદર્શન કેમ મનાઈ? શ્રીકૃષ્ણને પણ લાગ્યો હતો ખોટા કલંકનો આરોપ!



Ganesh Chaturthi Moon Sighting
Ganesh Chaturthi Moon Sighting: ગણેશ ચતુર્થીએ ચંદ્રદર્શન કેમ મનાઈ? શ્રીકૃષ્ણને પણ લાગ્યો હતો ખોટા કલંકનો આરોપ!



Ganesh Chaturthi Moon Sighting
Ganesh Chaturthi Moon Sighting: ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ. વર્ષ 2026માં ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બર, સોમવારે ઉજવાશે. આ દિવસે ભગવાન ગણેશની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે, પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન કરવાનું ટાળવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ચંદ્રને જોવાથી વ્યક્તિ પર મિથ્યા દોષ અથવા ખોટા કલંકનો આરોપ આવી શકે છે. અમદાવાદ માટે 14 સપ્ટેમ્બરે ચંદ્રદર્શન ટાળવાનો સમય સવારે 9:17થી રાત્રે 8:32 વાગ્યા સુધી દર્શાવવામાં આવ્યો છે.
ચંદ્રદેવે ભગવાન ગણેશનું કર્યું હતું અપમાન
પૌરાણિક કથા અનુસાર એક વખત ચંદ્રદેવને પોતાના રૂપ અને સૌંદર્ય પર ખૂબ જ ઘમંડ થઈ ગયો હતો. ભગવાન ગણેશના ગજમુખ સ્વરૂપને જોઈને ચંદ્રદેવ હસી પડ્યા. ચંદ્રદેવના આ વર્તનથી ભગવાન ગણેશ ક્રોધિત થયા અને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે ભાદરવા સુદ ચોથના દિવસે જે કોઈ ચંદ્રના દર્શન કરશે, તેના પર ખોટા આરોપ અથવા કલંક લાગી શકે છે. આ માન્યતાને કારણે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ન કરવાની પરંપરા ચાલી આવી હોવાનું કહેવાય છે. ધાર્મિક પરંપરામાં આ દોષને મિથ્યા દોષ અથવા મિથ્યા કલંક તરીકે ઓળખવામાં આવે છે.
આ કારણે ગણેશ ચતુર્થીને ‘કલંક ચતુર્થી’ પણ કહેવાય છે
ગણેશ ચતુર્થીના ચંદ્રદર્શન સાથે જોડાયેલી આ માન્યતાને કારણે કેટલીક પરંપરાઓમાં આ તિથિને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા એવી છે કે ચંદ્રદર્શનથી વ્યક્તિને કોઈ એવી બાબતમાં ખોટો દોષ અથવા બદનામી સહન કરવી પડી શકે, જે તેણે કરી જ ન હોય.
શ્રીકૃષ્ણે ચંદ્ર જોયો અને લાગ્યો હતો ચોરીનો આરોપ!
આ માન્યતા સાથે ભગવાન શ્રીકૃષ્ણની સ્યામંતક મણિની કથા પણ જોડાયેલી છે. પૌરાણિક કથા અનુસાર શ્રીકૃષ્ણે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના પર કિંમતી સ્યામંતક મણિની ચોરી કરવાનો ખોટો આરોપ લાગ્યો હતો. પૌરાણિક માન્યતા મુજબ ઋષિ નારદે શ્રીકૃષ્ણને જણાવ્યું કે ચતુર્થીના દિવસે ચંદ્રદર્શનના કારણે તેમને મિથ્યા દોષ લાગ્યો છે. આ કથા આજે પણ ગણેશ ચતુર્થીના ચંદ્રદર્શનની માન્યતા સમજાવવા માટે કહેવામાં આવે છે.
ભૂલથી ચંદ્ર દેખાઈ જાય તો શું કરવું?
જો ભૂલથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. ધાર્મિક માન્યતા મુજબ મિથ્યા દોષના નિવારણ માટે સ્યામંતક મણિની કથા સાંભળવા અથવા તેનું સ્મરણ કરવા અને ભગવાન ગણેશનું ધ્યાન કરવા જણાવવામાં આવે છે. કેટલાક પંચાંગોમાં આ માટે ખાસ મંત્રના જાપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મંત્ર:
“સિંહઃ પ્રસેનમવધીત્સિંહો જામ્બવતા હતઃ।
સુકુમારક મા રોદીસ્તવ હ્યેષ સ્યમંતકઃ॥”
આ સમગ્ર માન્યતા ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓ સાથે જોડાયેલી છે. તેથી તેને આસ્થા અને પરંપરાના સંદર્ભમાં સમજવી જોઈએ. 2026માં ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે હોવાથી ભક્તો આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા સાથે ચંદ્રદર્શન સંબંધિત પરંપરાનું પણ પાલન કરશે.






