NEET-UG 2026ની પુનઃ પરીક્ષા આજે, દેશભરમાં કડક સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા



NEET-UG 2026ની પુનઃ પરીક્ષા આજે, દેશભરમાં કડક સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા



નવી દિલ્હી NEET-UG 2026ની પુનઃ પરીક્ષા માટે દેશભરના પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. પેપર લીકના વિવાદ બાદ ફરી યોજાઈ રહેલી આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
મધ્યપ્રદેશના જબલપુરની વિદ્યાર્થીની અપેક્ષા ઠાકુરે જણાવ્યું હતું કે પેપર લીક બાદ તણાવનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સારી તૈયારી કરી હોવાથી પરીક્ષા સારી જશે તેવી આશા છે. અન્ય વિદ્યાર્થીની નિહારિકા તિવારીએ પણ કહ્યું કે પેપર લીકની ઘટનાએ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ થોડો નબળો કર્યો છે અને હજુ પણ ડરનો માહોલ છે.
મધ્યપ્રદેશ સરકારના મંત્રી દિલીપ અહિરવારે પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા તેમની સફળતા માટે પ્રાર્થના કરી હતી. હરિયાણા સરકારના મંત્રી આરતી રાવે પણ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને સારું પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી હતી.
જેડીયુ નેતા રાજીવ રંજને જણાવ્યું હતું કે પરીક્ષા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વિદ્યાર્થીઓએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભાજપના ધારાસભ્ય સીપી સિંહે પણ પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત વિવિધ વિસ્તારોમાં કડક સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 127 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ નવ પરીક્ષા કેન્દ્રો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પ્રશ્નપત્રોને પોલીસ અને ITBPની સુરક્ષા હેઠળ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
પેપર લીક બાદ ફરી યોજાઈ રહેલી આ પરીક્ષા દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે અને તમામની નજર હવે પરિણામો પર ટકેલી છે.




