NEET પેપર લીકના નામે દોઢ કરોડની ઠગાઈ: 3 આરોપી ઝડપાયા, 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ બન્યા શિકાર



NEET પેપર લીકના નામે દોઢ કરોડની ઠગાઈ: 3 આરોપી ઝડપાયા, 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ બન્યા શિકાર



અમદાવાદ: NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રહેલી ચિંતા અને ઉત્સુકતાનો ફાયદો ઉઠાવી સાયબર ઠગોએ કરોડોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે NEET પેપર લીક અને રિફંડ ફ્રોડ સંબંધિત બે અલગ-અલગ કેસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
તપાસ મુજબ રાજસ્થાનના આકાશ મીણા અને સુમેરસિંહ મીણાએ ટેલિગ્રામ પર આઠ જેટલી ચેનલો બનાવી હતી. આ ચેનલો મારફતે NEETનું પેપર લીક થઈ ગયું હોવાના ખોટા દાવા કરવામાં આવતા હતા. વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવા માટે બનાવટી મેસેજ, ફેક સ્ક્રીનશોટ અને સફળ થયેલા ઉમેદવારોની ખોટી માહિતી શેર કરવામાં આવતી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓને પેપર મેળવવા માટે એડવાન્સ રકમ જમા કરાવવા કહેવામાં આવતું હતું. અલગ-અલગ બેંક એકાઉન્ટ અને ગેમિંગ એપ્લિકેશન મારફતે નાણાં એકત્ર કરવામાં આવતા હતા. તપાસ દરમિયાન ખુલાસો થયો કે દેશભરના આશરે એક હજાર વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતી.
બીજી તરફ NEET UG-2026 રિફંડ ફ્રોડ કેસમાં બિહારના 19 વર્ષીય નવીનકુમાર શંકર પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટ્સ પર બ્રુટફોર્સ એટેક કરીને પાસવર્ડ ક્રેક કર્યા હતા. ત્યારબાદ ગેરકાયદેસર રીતે એકાઉન્ટમાં પ્રવેશ મેળવી પાસવર્ડ બદલી નાખવામાં આવતા અને NTA દ્વારા મળનારી રિફંડની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 150 વિદ્યાર્થીઓના રિફંડની રકમ ગેરરીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ આગળ વધતાં વધુ વિદ્યાર્થીઓ પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે NTAના ડાયરેક્ટર આકાશ જૈને જણાવ્યું હતું કે NEET પેપર લીક અંગેની અફવાઓ અને ખોટા દાવાઓ દ્વારા સંસ્થાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને આવી અફવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે NEET પરીક્ષા માટે હાઈ-સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પેપર લીક થવાની કોઈ શક્યતા નથી. પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે અનેક ટેકનિકલ સુધારા પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.




