રાષ્ટ્રીય હથકરઘા દિવસ પર PM મોદીએ કહ્યું- ‘હેન્ડલૂમ ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના સપનાનો મહત્વપૂર્ણ સ્તંભ’


રાષ્ટ્રીય હથકરઘા દિવસ પર PM મોદીએ કહ્યું- ‘હેન્ડલૂમ ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના સપનાનો મહત્વપૂર્ણ સ્તંભ’


રાષ્ટ્રીય હથકરઘા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વણકરો અને કારીગરોને નમન કરતાં હથકરઘા ક્ષેત્રને ગ્રામ્ય સશક્તિકરણ, મહિલા નેતૃત્વવાળા વિકાસ અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર હથકરઘા ક્ષેત્રને સતત પ્રોત્સાહન અને સહયોગ આપતી રહેશે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ભારતની સમૃદ્ધ અને જીવંત હથકરઘા વિરાસતની પ્રશંસા કરી હતી. તેમણે વણકરો અને કારીગરોની કુશળતા, સર્જનાત્મકતા અને સમર્પણને બિરદાવ્યા હતા. પેઢીઓથી વણકરો ભારતીય પરંપરાઓને સાચવીને તેને વધુ સમૃદ્ધ બનાવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.
PM મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય હથકરઘા દિવસના અવસરે પોતાના મનપસંદ હથકરઘા ઉત્પાદનો અને GRWM વીડિયો શેર કરવાની અપીલ કરી હતી, જેથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો ઉત્સાહ વધે.
દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 1905માં શરૂ થયેલા સ્વદેશી આંદોલનની યાદમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2015માં રાષ્ટ્રીય હથકરઘા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
ચોથી ઓલ ઈન્ડિયા હેન્ડલૂમ સેન્સસ 2019-20 મુજબ દેશમાં અંદાજે 31.45 લાખ હથકરઘા પરિવારો નોંધાયા હતા. જ્યારે આશરે 35.22 લાખ વણકરો અને સંલગ્ન કામદારો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમાં 72 ટકાથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.
ભારતની હથકરઘા પરંપરાના મૂળ પ્રાચીન ઈતિહાસ સુધી પહોંચે છે. સિંધુ ખીણની સભ્યતા સહિત ઋગ્વેદ, રામાયણ અને મહાભારતમાં પણ કાંતણ અને વણાટની પરંપરાના ઉલ્લેખ જોવા મળે છે. આજે ડિઝાઇન, ડિજિટલ પ્લેટફોર્મ અને વૈશ્વિક બજારોના માધ્યમથી ભારતીય હથકરઘાને નવી ઓળખ મળી રહી છે.




