Get News Alerts

Never miss breaking news updates.

કાજલ મહેરિયાના નામે કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી!

મળતી માહિતી મુજબ, કોર્ટની નોટિસ મળતા કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ બંને ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી તેમજ તેમણે છૂટાછેડા માટે કોઈ અરજી કરી નથી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 Jun 2026 11:18 AM IST
કાજલ મહેરિયાના નામે કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી!કાજલ મહેરિયાના નામે કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી!

મહેસાણા: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાજલ મહેરિયા અને તેમના પતિના નામે મહેસાણાની ફેમિલી કોર્ટમાં રહસ્યમય રીતે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોર્ટ તરફથી બંનેને નોટિસ મોકલવામાં આવી.

મળતી માહિતી મુજબ, કોર્ટની નોટિસ મળતા કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ બંને ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી તેમજ તેમણે છૂટાછેડા માટે કોઈ અરજી કરી નથી.

તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં લગ્નની તારીખ સહિતની અનેક મહત્વપૂર્ણ વિગતો ખોટી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે અરજીની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ કાજલ મહેરિયાએ અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અરજીમાં તેમના અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કોઈએ ખોટી રીતે દસ્તાવેજો તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો, અરજી કરનાર વ્યક્તિ તેમજ સમગ્ર પ્રક્રિયાની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાએ કાનૂની વ્યવસ્થામાં દસ્તાવેજોની સત્યતા અને ઓળખની ચકાસણીને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ અને સંબંધિત તંત્ર સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.

કાજલ મહેરિયાના નામે દાખલ થયેલી આ નકલી છૂટાછેડાની અરજી પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો, તે હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.