Get News Alerts

Never miss breaking news updates.

મને શિવજીના દર્શન થયા છે કહેતી મહિલાનો પર્દાફાશ, આગામી PM બનવાના દાવા નીકળ્યા ખોટા

જામનગરના સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રહેતી મમતા દવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને દાવો કરતી હતી કે વર્ષ 2022માં તેને ભગવાન શિવના સાક્ષાત્કાર થયા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી બાદ પોતે દેશના આગામી વડાપ્રધાન બનશે અને પોતાની સાધનાના બળે દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત લાવશે તેવી વાતો પણ કરતી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 12:18 PM IST
મને શિવજીના દર્શન થયા છે કહેતી મહિલાનો પર્દાફાશ, આગામી PM બનવાના દાવા નીકળ્યા ખોટામને શિવજીના દર્શન થયા છે કહેતી મહિલાનો પર્દાફાશ, આગામી PM બનવાના દાવા નીકળ્યા ખોટા

જામનગર: શહેરમાંથી અંધશ્રદ્ધા અને ભ્રમ ફેલાવતી એક મહિલાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પોતાને ભગવાન શિવના સાક્ષાત્કાર થયા હોવાનો અને ભવિષ્યમાં દેશના વડાપ્રધાન બનવાનો દાવો કરતી મમતા દવે નામની મહિલાના તમામ દાવા ખોટા હોવાનું સામે આવ્યું છે. ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી કાર્યવાહી કરતા મહિલાએ આખરે પોતાની ભૂલ સ્વીકારી જાહેરમાં માફી માંગી છે.

જામનગરના સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રહેતી મમતા દવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને દાવો કરતી હતી કે વર્ષ 2022માં તેને ભગવાન શિવના સાક્ષાત્કાર થયા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી બાદ પોતે દેશના આગામી વડાપ્રધાન બનશે અને પોતાની સાધનાના બળે દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત લાવશે તેવી વાતો પણ કરતી હતી.

આ દાવાઓના આધારે લોકો સાથે ખાસ મુલાકાત માટે ₹1,001થી ₹5,001 સુધીની રકમ અને પોતાના રાજકીય પક્ષની સભ્યતા માટે ₹51,000નું ફંડ ઉઘરાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી હતી. આ અંગે માહિતી મળતા ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની આગેવાનીમાં ટીમે જામનગર જિલ્લા પોલીસ અને સીટી 'બી' ડિવિઝન પોલીસની મદદથી મહિલાના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન કથિત દૈવી શક્તિઓના દાવા કરતી મહિલા ભાંગી પડી હતી. વિજ્ઞાન જાથાની તપાસમાં ખુલાસો થયો કે મમતા દવે માત્ર નવમા ધોરણ સુધી અભ્યાસ કરેલી છે અને છેલ્લા દસ વર્ષથી એકલવાયું જીવન જીવી રહી છે. ઊંઘની સમસ્યા અને માનસિક ભ્રમના કારણે તે આવા દાવાઓ કરતી હોવાનું સામે આવ્યું છે.

વિડંબના એ છે કે ભૂત-ભવિષ્ય જાણવાનો દાવો કરનારી મહિલા પોતાના જીવનમાં શું થવાનું છે તે જાણી શકી નહીં. આખરે તેણે લેખિતમાં કબૂલાતનામું આપી પોતાના તમામ દાવાઓ ખોટા હોવાનું સ્વીકાર્યું અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ જાહેરમાં માફી માંગી હતી.

ભારત જન વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું કે આ તેમનો 1287મો સફળ પર્દાફાશ છે, જે અંધશ્રદ્ધા સામેની લડતમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.