વાયનાડમાં કુદરતી કહેર! પળવારમાં તૂટી પડ્યો પહાડ, CCTVમાં કેદ થયું ભયાનક ભૂસ્ખલન



વાયનાડમાં કુદરતી કહેર! પળવારમાં તૂટી પડ્યો પહાડ, CCTVમાં કેદ થયું ભયાનક ભૂસ્ખલન



તિરુવનંતપુરમ: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. મેપ્પાડી વિસ્તારમાં ચાલી રહેલા ટનલ નિર્માણ પ્રોજેક્ટ નજીક અચાનક પહાડનો મોટો ભાગ ધસી પડતા સમગ્ર વિસ્તાર કાટમાળથી છવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 3 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પહાડનો મોટો હિસ્સો ધસી પડતા રસ્તા, વાહનો અને કામદારોના કેમ્પ પર કાટમાળનો પહાડ તૂટી પડતો જોવા મળે છે. વીડિયોમાં એક ભારે વાહન અને ટૅન્કર પણ કાગળના પત્તાંની જેમ વહેતા નજરે પડે છે.
કેવી રીતે બની દુર્ઘટના?
માહિતી મુજબ, મીનાક્ષી પુલ નજીક અનાક્કમપોયલ-કલ્લાડી-મેપ્પાડી ટ્વીન ટનલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. ટનલ ખોદકામ દરમિયાન ત્યાં મોટી માત્રામાં માટીનો ઢગલો એકત્રિત થયો હતો. સતત વરસાદના કારણે આ માટી અને નજીકની પહાડીનો ભાગ અચાનક ધસી પડ્યો. પહાડીની નીચે કામદારો માટે બનાવવામાં આવેલા તાત્કાલિક કેમ્પ અને બે બસો સીધી ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાના સમયે અનેક મજૂરો સ્થળ પર હાજર હોવાનું જાણવા મળ્યું છે.
2024ની વિનાશક ઘટના તાજી થઈ
આ દુર્ઘટનાએ વાયનાડમાં વર્ષ 2024માં થયેલી વિનાશક ભૂસ્ખલનની યાદોને ફરી જીવંત કરી દીધી છે. તે સમયે થયેલી કુદરતી આફતમાં 300થી વધુ લોકોના મોત થયા હતા. હાલની ઘટના પણ તે જ સંવેદનશીલ વિસ્તારની નજીક બની હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બચાવ કામગીરી તેજ
ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું સક્રિય બન્યું છે. હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



