સમય રૈના સહિત 5 કોમેડિયનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તમામ કેસ રદ્દ


સમય રૈના સહિત 5 કોમેડિયનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, તમામ કેસ રદ્દ


Samay Raina Supreme Court Case: ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદમાં સુપ્રીમ કોર્ટે યુટ્યુબર અને કોમેડિયન સમય રૈના સહિત પાંચ કોમેડિયન સામે નોંધાયેલા કેસ રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કેસમાં શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને ગંભીર બીમારી અંગે કથિત વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આરોપો લાગ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે મામલાની સુનાવણી કરી હતી. કોર્ટે પાંચેય કોમેડિયન દ્વારા દિવ્યાંગ લોકો માટે જાગૃતિ ફેલાવવા અને ફંડ એકત્રિત કરવા કરવામાં આવેલા પ્રયાસોની નોંધ લીધી હતી.
કોને મળી રાહત?
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સમય રૈના ઉપરાંત વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવરને પણ રાહત મળી છે. કોર્ટે પાંચેયની કામગીરી અંગે સકારાત્મક અભિગમ વ્યક્ત કરતાં તેમને યુવા અને પ્રતિભાશાળી ગણાવ્યા હતા. જો તેમની ઊર્જાનો ઉપયોગ સકારાત્મક દિશામાં કરવામાં આવે તો તેના સારા પરિણામો આવી શકે છે તેમ કોર્ટે નોંધ્યું હતું.
શું હતો સમગ્ર વિવાદ?
આ સમગ્ર મામલો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડ સાથે જોડાયેલો છે. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) જેવી ગંભીર બીમારી અંગે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીઓ બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલે સમય રૈના સહિત અન્ય કોમેડિયન સામે વિવિધ સ્થળોએ કેસ નોંધવામાં આવ્યા હતા. દિવ્યાંગ લોકો માટે કાર્ય કરતી ક્યોર SMA ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા પણ આ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો.
દિવ્યાંગોના સન્માન અંગે માર્ગદર્શિકા પર વિચારણા
સુપ્રીમ કોર્ટે હાલ પાંચેય કોમેડિયન સામેના કેસ રદ્દ કર્યા છે, પરંતુ સમગ્ર મુદ્દાની સુનાવણી અહીં પૂરી થઈ નથી. કોર્ટ હવે ઓનલાઈન અને મનોરંજન ક્ષેત્રના કન્ટેન્ટમાં દિવ્યાંગ વ્યક્તિઓના સન્માન અને ગરિમાનું રક્ષણ કરવા માટે કઈ પ્રકારની માર્ગદર્શિકા બનાવી શકાય, તે મુદ્દે વિચારણા કરશે.
અગાઉ પણ કોર્ટ કરી ચૂકી છે મહત્વપૂર્ણ સૂચના
આ કેસમાં નવેમ્બર 2025 દરમિયાન સુપ્રીમ કોર્ટે સમય રૈના અને અન્ય કોમેડિયન્સને દિવ્યાંગ લોકો માટે કામ કરવા તેમજ SMAથી પીડિત લોકોની સારવાર માટે ફંડ એકત્રિત કરવા માટે દર મહિને ઓછામાં ઓછા બે કાર્યક્રમો યોજવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમને પોતાના કાર્યક્રમોમાં દિવ્યાંગ લોકોને સામેલ કરવા અને તેમની સિદ્ધિઓને લોકો સમક્ષ રજૂ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી પાંચેય કોમેડિયન્સને મોટી કાનૂની રાહત મળી છે, જ્યારે દિવ્યાંગ લોકોની ગરિમા અને સન્માન જળવાય તે માટે કન્ટેન્ટ અંગેની વ્યાપક માર્ગદર્શિકાનો મુદ્દો હજુ કોર્ટ સમક્ષ વિચારાધીન રહેશે.




