પુરી રથયાત્રામાં ભીડ વચ્ચે દુર્ઘટના! ભગદોડ જેવી સ્થિતિમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ


પુરી રથયાત્રામાં ભીડ વચ્ચે દુર્ઘટના! ભગદોડ જેવી સ્થિતિમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ


પુરી: ઓડિશાના વિશ્વવિખ્યાત શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ દરમિયાન ગુરુવારે ભારે ભીડ વચ્ચે ભગદડ જેવી સ્થિતિ સર્જાતા એક શ્રદ્ધાળુના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મરીચી કુંડ ચોક નજીક બેરિકેડની દોરી તૂટી જવાથી અથવા કેટલાક લોકોનું સંતુલન બગડતાં અચાનક લોકો એકબીજા પર પડી ગયા હતા. જેના કારણે સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ, આશરે 40થી 50 લોકો એકબીજા પર પડી ગયા હતા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને ચારથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે. બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને લાખો શ્રદ્ધાળુઓની ભીડને કારણે ગૂંગળામણ અને ઈજાઓની ફરિયાદ સાથે અત્યાર સુધીમાં લગભગ 200 લોકોને પુરીની વિવિધ હોસ્પિટલો અને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વપ્રસિદ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા દરમિયાન લાખો ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. રથયાત્રાની શરૂઆત પરંપરાગત 'પહંડી બીજે' વિધિ સાથે થઈ હતી, જેમાં દેવતાઓને ભવ્ય શોભાયાત્રા દ્વારા મંદિરથી રથ સુધી લાવવામાં આવ્યા હતા. હાલ ઘટનાની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે અને પ્રશાસન સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.




