પેપર લીક સામે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 10 વર્ષની જેલ અને ₹10 કરોડ દંડના બિલને મોદી કેબિનેટની મંજૂરી


AI Generated Images
પેપર લીક સામે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 10 વર્ષની જેલ અને ₹10 કરોડ દંડના બિલને મોદી કેબિનેટની મંજૂરી


AI Generated Images
Paper Leak Amendment Bill: દેશભરમાં પેપર લીક મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કડક પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે કડક સજાની જોગવાઈ ધરાવતા સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ આગામી 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે.
પ્રસ્તાવિત બિલ મુજબ, ઓર્ગેનાઇઝ્ડ પેપર લીક જેવા ગંભીર ગુનામાં દોષિતોને 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાનો પણ પ્રસ્તાવ છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશભરના વિદ્યાર્થીઓ પરીક્ષા પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સંસદમાં પણ આ મુદ્દે સતત હોબાળો થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ અગાઉ જ વીડિયો સંદેશ દ્વારા સંકેત આપ્યો હતો કે સરકાર પેપર લીક સામે કડક કાયદો લાવવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે પેપર લીક માત્ર પરીક્ષાની સમસ્યા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. તેથી દોષિતોને કડક સજા મળે અને આવી ઘટનાઓ પર કાયમી રોક લાગે તે માટે મજબૂત કાનૂની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.
આ દરમિયાન કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કર્યો છે. 1994 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે NEET પેપર લીક કેસમાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હવે કેબિનેટની મંજૂરી બાદ તમામની નજર સંસદ પર છે, જ્યાં આ મહત્વપૂર્ણ બિલ રજૂ થવાની શક્યતા છે.




